ઝારખંડના સૈરાકેલા-ખરસવાં જિલ્લાના ગામરિયા પોલીસ સ્ટેશનમાંથી એક અત્યંત સંવેદનશીલ અને કાયદો-વ્યવસ્થા સામે સવાલો ઉભા કરતી ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગત ૨૯ ઓક્ટોબરની રાત્રે પીડિત મહિલા પોતાના પતિ સાથેના ઝઘડા બાદ સુરક્ષાની અપેક્ષાએ પોલીસ સ્ટેશન પહોંચી હતી. પતિ મારઝૂડ કરશે તેવી દહેશતથી ઘર છોડીને તેણે પડોશીના ઘરેથી પોલીસને ફોન કર્યો હતો, ત્યારબાદ પીસીઆર વાન તેને રાત્રે પોલીસ સ્ટેશન લઈ આવી હતી. પોલીસ અધિકારીઓએ તેને આરામ કરવા માટે પોલીસ સ્ટેશનની અંદર જ એક રૂમ ફાળવ્યો હતો, જ્યાં આ સુરક્ષાની ગેરંટી આપનાર ખાખી વર્દી પર જ મોટોદાગ લાગ્યો અને સ્ટેશન પર ફરજ બજાવતા વાયરલેસ ઓપરેટર કોન્સ્ટેબલે જ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
આ ગંભીર બનાવની જાણ થતાં જ પોલીસ વિભાગમાં હડકંપ મચી ગયો હતો. પોલીસ અધિક્ષક (SP) મનોજ સ્વર્ગિયારીએ આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સૈરાકેલાના સબ-ડિવિઝનલ પોલીસ ઓફિસર (SDPO) અનુભવ ભારદ્વાજને તાત્કાલિક તપાસ સોંપી હતી. SDPO દ્વારા રજૂ કરવામાં આવેલા તપાસ અહેવાલના આધારે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે અને ન્યાયાલયે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. આ સાથે જ, ઘટના સમયે ફરજમાં ગંભીર બેદરકારી, બિનજવાબદારી અને શિસ્તભંગ દાખવવા બદલ ગામરિયા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સહિત અન્ય ચાર પોલીસકર્મીઓને પણ સસ્પેન્ડ કરીને પોલીસ લાઈન ખાતે હાજર થવાના આદેશ આપવામાં આવ્યા છે.
આ પ્રકરણે રાજ્યના રાજકારણમાં પણ ભારે ગરમાવો લાવી દીધો છે, જ્યાં વિપક્ષી ભારતીય જનતા પાર્ટી (BJP)એ વર્તમાન સરકાર અને પોલીસ વહીવટી તંત્ર સામે આકરા પ્રહારો કર્યા છે. ઝારખંડ ભાજપના અધ્યક્ષ આદિત્ય સાહુએ આક્ષેપ કર્યો છે કે રાજ્યમાં ગુનેગારો અને પોલીસકર્મીઓ બેફામ બન્યા છે કારણ કે તેમને કાયદાનો કોઈ ડર નથી રહ્યો. બીજી તરફ, પોલીસ તપાસના ભાગરૂપે આરોપીના ઘટના સમયના કપડાં જપ્ત કરી લેવામાં આવ્યા છે અને તેને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL), રાંચી ખાતે પરીક્ષણ માટે મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેથી ન્યાયિક પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થઈ શકે.
