JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

આંધ્રપ્રદેશની સરકારી શાળામાં ચેઇનસો હુમલો: એકતરફી પ્રેમ અને લગ્નનો પ્રસ્તાવ નકારતા સગીરા પર જીવલેણ હુમલો

Nov 01, 2026 | 13:02 | By JAMNAGAR MIRROR
આંધ્રપ્રદેશની સરકારી શાળામાં ચેઇનસો હુમલો: એકતરફી પ્રેમ અને લગ્નનો પ્રસ્તાવ નકારતા સગીરા પર જીવલેણ હુમલો
આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લાની એક શાળામાં વર્ગખંડમાં ઘૂસીને ચેઇનસો વડે બે વિદ્યાર્થીણીઓ પર હુમલો કરનાર આરોપી હજુ ફરાર છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે એકતરફી પ્રેમ અને પ્રસ્તાવ ઠુકરાવવાની અદાવતમાં જ આ ખૌફનાક ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.

આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લાના રપ્તાડુ ગામની જિલ્લા પરિષદ હાઇસ્કૂલમાં શનિવારે સવારે બનેલી આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. હેમંત ઉર્ફે ડુમ્મુ નામના ૨૧ વર્ષીય યુવકે ધોરણ ૧૦ ના ચાલુ વર્ગખંડમાં અચાનક પ્રવેશીને ચેઇનસો (વૃક્ષ કાપવાનું મશીન) વડે બે વિદ્યાર્થીણીઓ પર ક્રૂર હુમલો કર્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી પીડિત યુવતીનો પિતરાઈ કાકા થાય છે અને તે લાંબા સમયથી તેની પાછળ પડીને હેરાન કરતો હતો. યુવતી દ્વારા તેના પ્રેમ સંબંધના પ્રસ્તાવને વારંવાર નકારી કાઢવામાં આવતા, તેના જ બદલાની ભાવનાથી આરોપીએ આ નિર્દયી કૃત્ય આચર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સ્પષ્ટ થયું છે.

આ ભયાનક હુમલામાં બંને વિદ્યાર્થીણીઓ ગંભીર રીતે ઘાયલ થઈ છે, અને તેમાંથી એકની હાલત અત્યંત નાજુક હોવાથી તેને સરકારી જનરલ હોસ્પિટલમાંથી એર એમ્બ્યુલન્સ દ્વારા બેંગ્લોરની મોટી હોસ્પિટલમાં ખસેડવાની તૈરીઓ ચાલી રહી છે. ઘટનાસ્થળે હાજર રહેલા વર્ગ શિક્ષિકા રાજેશ્વરીના જણાવ્યા મુજબ, શાળામાં મરામતનું કામ ચાલતું હોવાથી તેઓને શરૂઆતમાં એમ લાગ્યું કે કોઈ મજૂર ઓજારો લઈને આવ્યો છે. પરંતુ, કોઈ કંઈ સમજે કે પ્રતિક્રિયા આપે તે પહેલા જ આરોપીએ મશીન ચાલુ કરીને સીધો વિદ્યાર્થીઓ વચ્ચે જઈને હુમલો શરૂ કરી દીધો હતો. અચાનક થયેલા આ હુમલાથી વર્ગખંડમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને ડરી ગયેલા માસૂમ બાળકો જીવ બચાવવા અહીં-તહીં દોડવા લાગ્યા હતા, જેના કારણે શાળાના શિક્ષકો અને બાળકો હજુ પણ ગહેરા માનસિક આઘાતમાં છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્યના શિક્ષણ પ્રધાન નારા લોકેશે તાત્કાલિક ધોરણે રાહત અને બચાવના પગલાં લીધા છે. પ્રધાને સોશિયલ મીડિયા પર માહિતી આપતા જણાવ્યું હતું કે આઘાત પામેલા બાળકોને માનસિક સ્થિરતા પૂરી પાડવા માટે ૨૦ કાઉન્સિલરોની વિશેષ ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ ધોરણ ૧૦-એ ના તમામ ૩૨ વિદ્યાર્થીઓ તેમજ ધોરણ ૮, ૯ અને ૧૦ ની વિદ્યાર્થિનીઓના ઘરે જઈને તેમને અને તેમના વાલીઓને સાંત્વના આપી રહી છે અને આ માનસિક આઘાતમાંથી બહાર લાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. બીજી તરફ, ફરાર થઈ ગયેલા આરોપી હેમંતને પકડવા માટે પોલીસ પ્રશાસન દ્વારા ૧૨ થી ૧૫ વિશેષ ટીમો બનાવીને સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે.

LATEST ARTICLES