JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, હરિયાણા, કર્ણાટક, કેરળ અને તમિલનાડુના સ્થાપના દિવસ પર પાઠવ્યા ઉષ્માભર્યા અભિનંદન

Nov 01, 2026 | 13:01 | By JAMNAGAR MIRROR
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, હરિયાણા, કર્ણાટક, કેરળ અને તમિલનાડુના સ્થાપના દિવસ પર પાઠવ્યા ઉષ્માભર્યા અભિનંદન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છ રાજ્યોના સ્થાપના દિવસ નિમિત્તે નાગરિકોને શુભકામનાઓ પાઠવી છે. તેમણે તમામ ક્ષેત્રોમાં આ રાજ્યોની પ્રગતિની પ્રશંસા કરી નાગરિકોની સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, હરિયાણા, કર્ણાટક, કેરળ અને તમિલનાડુના સ્થાપના દિવસ પર ત્યાંના નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. સોશિયલ મીડિયા પર પોતાના સંદેશાઓ દ્વારા તેમણે તમામ રાજ્યોની સાંસ્કૃતિક વિરાસત, ઐતિહાસિક મહત્વ અને લોકોની મહેનતની પ્રશંસા કરી હતી. વડાપ્રધાને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ આગામી વર્ષો આ રાજ્યોના નાગરિકો માટે નવી તકો, વધુ સમૃદ્ધિ અને સતત પ્રગતિ લઈને આવશે તથા આ રાજ્યો દેશના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપતા રહેશે.

મધ્યપ્રદેશ અને છત્તીસગઢના સ્થાપના દિવસનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે મધ્યપ્રદેશ કૃષિ, ઉદ્યોગ, પર્યટન અને નવીનતા ક્ષેત્રે નવા સીમાચિહ્નો સર કરી રહ્યો છે, જ્યારે છત્તીસગઢ નક્સલવાદને ડામીને વિકાસના માર્ગે ઝડપથી આગળ વધી રહ્યું છે. આ ઉપરાંત, હરિયાણા અને કર્ણાટકના સંદર્ભમાં તેમણે જણાવ્યું કે હરિયાણાના ખેલાડીઓ અને અન્નદાતાઓએ દેશનું નામ રોશન કર્યું છે, તો બીજી તરફ કર્ણાટક IT, બાયોટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જેવા ભવિષ્યના ક્ષેત્રોમાં વૈશ્વિક પડકારોના ઉકેલ લાવવામાં અગ્રેસર ભૂમિકા ભજવી રહ્યું છે.

કેરળ અને તમિલનાડુના નાગરિકોને અભિનંદન આપતા વડાપ્રધાને કુદરતી સૌંદર્ય અને સમૃદ્ધ સંસ્કૃતિના ધણી એવા આ બંને દક્ષિણી રાજ્યોની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે કેરળના લોકોએ સ્વાસ્થ્ય, શિક્ષણ અને વિજ્ઞાન ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓથી દેશ ગૌરવ અનુભવે છે. તમિલનાડુ વિશે વાત કરતા તેમણે કહ્યું કે મેન્યુફેક્ચરિંગ, ઓટોમોબાઈલ, સ્પેસ ટેકનોલોજી અને ટેક્સટાઈલ જેવા ક્ષેત્રોમાં રાજ્યની ઔદ્યોગિક શ્રેષ્ઠતા અને તમિલ સંસ્કૃતિએ ભારતની સફરને સમૃદ્ધ બનાવી છે. વડાપ્રધાને આ તમામ રાજ્યોના લોકોના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે તેવી ઈશ્વરને પ્રાર્થના કરી હતી.

LATEST ARTICLES