દિલ્હીના રામલીલા મેદાનમાં આયોજિત 'ઈન્ડિયા' ગઠબંધનની 'ચલો દિલ્હી' રેલીને કારણે રાજધાનીના વ્યાપારી ક્ષેત્રોમાં વ્યાપક અસર જોવા મળી રહી છે. ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી (CTI) ના રાષ્ટ્રીય અધ્યક્ષ બ્રિજેશ ગોયલના જણાવ્યા અનુસાર, રેલીના સ્થળથી પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં આવેલા મોરી ગેટ, ચાંદની ચોક, સદર બજાર, કનોટ પ્લેસ અને ચાવરી બજાર જેવા ૨૦ થી ૨૨ મોટા જથ્થાબંધ અને છૂટક બજારોમાં ભારે અફરાતફરીનો માહોલ છે. ટ્રાફિક પ્રતિબંધો અને લાખોની ભીડ ઉમટવાનીતિ દહેશતને કારણે દુકાનદારોએ પોતાની દુકાનો ન ખોલવાનો નિર્ણય કર્યો છે. સીટીઆઈ દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ચોથો પત્ર લખીને આર્થિક નુકસાન અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે અને સ્પષ્ટ કર્યું છે કે આ મુખ્ય બજારોમાં દૈનિક ધોરણે ૧૦,૦00 થી ૧૨,૦૦૦ કરોડ રૂપિયાનો વેપાર થાય છે, જે દિવાળી અને ધનતેરસની આ પિક સિઝનમાં ભારે નુકસાનનો ભોગ બનશે.
આ મામલે રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો છે, જ્યાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રેલીમાં આવનારા લોકોને બજારોની મુલાકાત લઈને વેપારીઓ પાસેથી ખરીદી કરવા અને તેમને ટેકો આપવા અપીલ કરી હતી. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર વીડિયો સંદેશ જારી કરીને દાવો કર્યો હતો કે ભાજપ વેપારીઓમાં ખોટી અવાફાઓ ફેલાવી રહ્યો છે કે રેલીથી ધંધાને નુકસાન થશે, જ્યારે હકીકતમાં આ રેલી વેપારીઓ માટે ફાયદાકારક સાબિત થશે. બીજી તરફ, આ નિવેદન સામે ભાજપના સાંસદ પ્રવીણ ખંડેલવાલે આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે રાહુલ ગાંધીનું આ નિવેદન દિલ્હીના વેપારી સમુદાયની મજાક સમાન છે. તેમણે કહ્યું કે દિલ્હીના બજારોને રાજકીય ભીડની નહીં પરંતુ ગ્રાહકો અને ખરીદદારોની જરૂર છે, અને તહેવારોના સમયે આવા આયોજનોથી વેપારી વર્ગ પર ગંભીર આર્થિક સંકટ ઊભું થયું છે.
રેલીના આયોજનને કારણે માત્ર દુકાનો જ નહીં પરંતુ પરિવહન અને માલસામાનની અવરજવર પર પણ માઠી અસર પડી છે. રામલીલા મેદાનથી ૧૦ કિલોમીટરના વિસ્તારમાં લોડિંગ અને અનલોડિંગની પ્રવૃત્તિઓ અટકી જવાના કારણે ઔદ્યોગિક વિસ્તારોમાંથી માલ પહોંચાડવામાં મોટી અડચણો ઊભી થઈ છે. આ ઉપરાંત, આસપાસના શહેરોમાંથી રોજ દિલ્હી ખરીદી માટે આવતા ૩ થી ૪ લાખ ગ્રાહકો પણ રેલી અને ટ્રાફિકના ડરથી બજારોમાં આવ્યા ન હતા. CTI એ જણાવ્યું છે કે તેઓ કોઈ રાજકીય રેલીના વિરોધમાં નથી, પરંતુ તહેવારોની આ મહત્વપૂર્ણ મોસમમાં વેપારીઓના હિતોનું રક્ષણ થાય અને બજારો સુધી પહોંચતા રસ્તાઓ ખુલ્લા રહે તે સુનિશ્ચિત કરવું આયોજકોની જવાબદારી છે. આટલા મોટા પાયે થયેલા આર્થિક નુકસાનની ભરપાઈ કોણ કરશે તે પ્રશ્ન હાલ દિલ્હીના સમગ્ર વ્યાપારી જગતમાં ચર્ચાનો મુખ્ય વિષય બન્યો છે.
