સરકાર દ્વારા જારી કરવામાં આવેલા અધિકૃત આંકડાઓ અનુસાર, ઓક્ટોબર મહિનામાં ગ્રોસ ડોમેસ્ટીક રેવન્યુ ૧૫.૮ ટકા વધીને રૂ. ૧.૫૯ લાખ કરોડ થઈ છે, જ્યારે આયાતમાંથી મળતી આવકમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે જે ૪૨.૨ ટકા વધીને રૂ. ૭૨,૨૪૬ કરોડ થઈ છે. રિફંડની રકમ બાદ કરતા કુલ નેટ જીએસટી આવક ૨૫.૬ ટકાના શાનદાર વધારા સાથે રૂ. ૨.૦૩ કરોડ નોંધાઈ છે. આ મજબૂત આંકડાઓ દેશમાં વ્યાપારી પ્રવૃત્તિઓ અને આર્થિક ગતિવિધિઓ વેગવંતી બની હોવાની સ્પષ્ટ સાક્ષી પૂરે છે, જે સરકારની નાણાકીય સ્થિરતા માટે અત્યંત સકારાત્મક સંકેત છે.
રાજ્યોની વાત કરીએ તો, મહારાષ્ટ્રે હંમેશની જેમ સૌથી વધુ રૂ. ૩૫,૧૫૦ કરોડનું જીએસટી રેવન્યુ મેળવીને મોખરાનું સ્થાન જાળવી રાખ્યું છે, જ્યારે કર્ણાટક અને ગુજરાતે પણ ઉત્સાહજનક પ્રદર્શન કરતા અનુક્રમે રૂ. ૧૫,૯૨૨ કરોડ અને રૂ. ૧૩,૫૧૬ કરોડનું કલેક્શન નોંધાવ્યું છે. મોટા રાજ્યોમાં આસામમાં સૌથી વધુ ૪૭ ટકાનો જંગી વધારો જોવા મળ્યો છે, જ્યારે ઝારખંડ અને મધ્યપ્રદેશે પણ પ્રશંસનીય વૃદ્ધિ દર્શાવી છે. જોકે, સિક્કિમ, લદ્દાખ અને પુડુચેરી જેવા કેટલાક નાના વિસ્તારોમાં જીએસટી સંગ્રહમાં થોડો ઘટાડો પણ નોંધાયો છે, પરંતુ મોટાભાગના પ્રમુખ રાજ્યોની સકારાત્મક કામગીરીએ દેશના એકંદર અર્થતંત્રને મજબૂતાઈ પૂરી પાડી છે.
ઓક્ટોબર મહિનાના આ મજબૂત કલેક્શનમાં સેન્ટ્રલ જીએસટી (CGST) રૂ. ૪૨,૯૩૫ કરોડ, સ્ટેટ જીએસટી (SGST) રૂ. ૫૧,૩૪૦ કરોડ અને ઇન્ટિગ્રેટેડ જીએસટી (IGST) રૂ. ૧.૩૭ લાખ કરોડ રહ્યો છે. ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલથી ઓક્ટોબર સુધીના સાત મહિનાના પ્રદર્શન પર નજર નાખીએ તો, એકંદર આર્થિક વિકાસ દર પાટા પર હોવાનું સાબિત થાય છે. તહેવારોની મોસમ અને બજારમાં વધેલી માંગ વચ્ચે જીએસટી સંગ્રહમાં થયેલો આ વધારો આગામી દિવસોમાં ભારતીય બજાર અને ઉદ્યોગ જગત માટે વધુ ઉજળા અવસરોનું સર્જન કરશે તેવી પ્રબળ સંભાવના છે.
