તેલંગાણાના હૈદરાબાદ શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ઉચ્ચ અભ્યાસ કરી રહેલો એક યુવાન જ વાહનચોર નીકળ્યો છે. ગત ૨૦ ઓક્ટોબરના રોજ રેતિબોવલી વિસ્તારમાં આવેલી ગેલેક્સી એન્ક્લેવ એપાર્ટમેન્ટ બહાર પાર્ક કરેલી એક મહિન્દ્રા થાર કારમાંથી સ્ટેપની (સ્પેર વ્હીલ) ચોરી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજની સઘન તપાસ શરૂ કરી હતી. ફૂટેજની ચકાસણી દરમિયાન એક શંકાસ્પદ યુવક સ્કૂટર પર આવીને ખૂબ જ શોખીન અને મોંઘી ગાડીઓને નિશાન બનાવતો હોવાનું સ્પષ્ટપણે જોવા મળ્યું હતું.
પોલીસ તપાસમાં આ ચોંકાવનારો ગુનો આચરનાર ૨૩ વર્ષીય સોબાન અલી ખાન નામનો એમબીએનો વિદ્યાર્થી હોવાનું બહાર આવ્યું છે, જેને પોલીસે શનિવારે ઝડપી પાડ્યો છે. આરોપીની પૂછપરછમાં અનેક રસપ્રદ બાબતો બહાર આવી છે. સોબાન એટલો શાતિર હતો કે તે ગાડીઓના ટાયર ખોલવા માટે પંચર રિપેરિંગની દુકાનોનો ઉપયોગ કરતો હતો. તે પંચરની દુકાને જઈને સાધનોની જરૂર હોવાનું કહીને ૨૦૦થી ૩૦૦ રૂપિયા ડિપોઝિટ તરીકે જમા કરાવીને પાના-પક્કડ ભાડે લઈ આવતો હતો. આ સાધનોની મદદથી તે સેકન્ડોમાં જ કારમાંથી સ્ટેપની અને રિમ બહાર કાઢી લેતો અને બાદમાં સાધનો પરત કરીને પોતાની ડિપોઝિટ પાછી લઈ જતો હતો. ખાસ વાત એ છે કે આરોપીના પિતા વ્હીલ-અલાઈનમેન્ટની દુકાનમાં કામ કરતા હોવાથી તેને ગાડીઓના ટાયર અને વ્હીલ અંગેની સારી એવી જાણકારી હતી.
પોલીસે આરોપીની પૂછપરછના આધારે તેની પાસેથી કુલ ૧૫ નંગ મોંઘા વ્હીલ જપ્ત કર્યા છે, જેમાં ૧૨ એકલા મહિન્દ્રા થાર ગાડીના છે જ્યારે બાકીના ફોર્ડ એન્ડેવર અને ઇકોસ્પોર્ટ કારના છે. પ્રાથમિક તપાસમાં આ યુવક હૈદરાબાદના અત્તાપુર, ફિલ્મ નગર, લંગર હાઉસ સહિત આશરે ૧૦ જેટલા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ૧૧ જેટલી ચોરીની ઘટનાઓને અંજામ આપી ચૂક્યો હોવાની કબૂલાત કરી છે. પોલીસે આરોપીના રિમાન્ડ મેળવીને આ ચોરીઓ ક્યારથી શરૂ કરી હતી, આ નેટવર્કમાં અન્ય કોઈ સામેલ છે કે નહીં અને ચોરાયેલા ટાયરો ક્યાં વેચવામાં આવતા હતા તે અંગે વધુ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.
