આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લાના રપ્તાડુ ગામની જિલ્લા પરિષદ હાઇસ્કૂલમાં શનિવારે સવારે બનેલી એક હ્રદયદ્રાવક ઘટનાએ સમગ્ર રાજ્યમાં સનસનાટી મચાવી દીધી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, હેમંત ઉર્ફે ડુમ્મુ નામના ૨૧ વર્ષીય યુવકે શાળાના વર્ગખંડમાં અચાનક ઘૂસીને ધોરણ ૧૦ ની બે વિદ્યાર્થિનીઓ પર ચેઈનસો (વૃક્ષ કાપવાના યંત્ર) વડે જીવલેણ હુમલો કર્યો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી યુવક પીડિત વિદ્યાર્થિનીનો કાકા થાય છે અને તે લાંબા સમયથી તેની પાછળ પડીને હેરાન કરતો હતો. અગાઉ યુવતીએ તેનો પ્રેમ પ્રસ્તાવ સ્પષ્ટપણે નકારી કાઢ્યો હતો, જેના ખારમાં જ આ કાળઝાળ હુમલો કરવામાં આવ્યો હોવાનું પોલીસ તપાસમાં સ્પષ્ટ થઈ રહ્યું છે.
આ ઘટના અંગે વર્ગખંડમાં હાજર રહેલા શિક્ષિકા રાજેશ્વરીએ ભયજનક ક્ષણનો ચિતાર આપતા જણાવ્યું કે, શાળા પરિસરમાં બાંધકામનું કામ ચાલી રહ્યું હોવાથી શરૂઆતમાં કોઈને ખ્યાલ જ ન આવ્યો કે આ શખ્સ હાથમાં શું લઈને આવી રહ્યો છે. સવારના સત્ર દરમિયાન વર્ગખંડના દરવાજા ખુલ્લા હતા અને બાળકો અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે આરોપી અચાનક મોટર ચાલુ કરીને સીધો વર્ગખંડની અંદર ઘૂસી ગયો હતો. અવાજને કારણે શિક્ષકો અને વિદ્યાર્થીઓ કંઈ સમજે તે પહેલા જ તેણે ધોરણ ૧૦ ની ફ્રન્ટ બેન્ચ પર બેઠેલી વિદ્યાર્થિનીઓ પર હુમલો શરૂ કરી દીધો હતો. આ અચાનક થયેલા હુમલાથી વર્ગખંડમાં ભારે નાસભાગ મચી ગઈ હતી અને ભયના માર્યા બાળકો અહીં-તહીં દોડવા લાગ્યા હતા, જેના કારણે થોડીવાર માટે ભારે અરાજકતા સર્જાઈ હતી.
આ ગંભીર હુમલામાં બે વિદ્યાર્થિનીઓ ગંભીર રીતે ઘાયલ થઈ છે,જ્યારે એકની તબિયત અત્યંત નાજુક હોવાથી તેને અનંતપુરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને એર એમ્બ્યુલન્સ દ્વારા બેંગ્લોર ખસેડવાની તજવીજ ચાલુ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્યના શિક્ષણ મંત્રી નારા લોકેશે તાત્કાલિક ધોરણે પગલાં લેતા ૨૦ માનસિક સ્વાસ્થ્ય કાઉન્સિલરોની ટીમ બનાવી છે, જેઓ પ્રભાવિત વર્ગના ૩૨ વિદ્યાર્થીઓ અને અન્ય વિદ્યાર્થિનીઓના ઘરે જઈને તેમને આઘાતમાંથી બહાર લાવવા માટે માનસિક સહારો આપી રહી છે. બીજી તરફ, પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે ૧૨ થી ૧૫ વિશેષ ટીમો બનાવી છે અને નાગલુર વિસ્તારમાં સઘન શોધખોળ હાથ ધરી છે જેથી આરોપીને વહેલી તકે કાયદાના શંકાજામાં લાવી શકાય.
