દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાનારી ઇન્ડિયા ગઠબંધનની 'ચલો દિલ્હી' રેલીને કારણે રાજધાનીના મુખ્ય વેપારી કેન્દ્રો ઉપર માઠી અસર પડવાની પૂરી શક્યતા છે. ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી (CTI)ના અહેવાલ મુજબ, રામલીલા મેદાનથી પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં આવેલા અંદાજે અડધો ડઝનથી વધુ મોટા બજારોમાં આવેલી લગભગ ત્રણ લાખ દુકાનોમાંથી આશરે ૮૦ ટકા એટલે કે અંદાજે ૨.૫ લાખ દુકાનો બંધ રહેવાના એંધાણ છે. ચાંદની ચોક, સદર બજાર, કશ્મિરી ગેટ, કનોટ પ્લેસ અને ખારી બાઓલી જેવા મુખ્ય જથ્થાબંધ અને છૂટક બજારોમાં ભારે ભીડ અને ટ્રાફિક પ્રતિબંધોના ડરથી દુકાનદારોએ પોતાના શટર નીચે રાખવાનો નિર્ણય કર્યો છે, જેના કારણે દિલ્હીના વ્યાપારી વર્ગમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
દીવાળી અને ધનતેરસ જેવા તહેવારોની મુખ્ય ખરીદીની મોસમ ટાણે જ આ રેલી યોજાઈ રહી હોવાથી વેપારીઓને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. CTIના રાષ્ટ્રીય અધ્યક્ષ બ્રિજેશ ગોયલના જણાવ્યા અનુસાર, આસપાસના શહેરોમાંથી દિલ્હીના બજારોમાં ખરીદી કરવા આવતા ૩ થી ૪ લાખ ગ્રાહકો પણ રેલી અને ટ્રાફિક વ્યવસ્થાને કારણે આવી શક્યા નથી. આ ૨૦ થી ૨૨ મોટા બજારોમાં રોજના ૧૦,૦00 થી ૧૨,000 કરોડ રૂપિયાનો જંગી વેપાર થાય છે, પરંતુ આ અચાનક સર્જાયેલી અસ્થિરતાને કારણે સમગ્ર વ્યાપારી પ્રવૃત્તિ ઠપ થઈ ગઈ છે. માલની અવરજવર અને લોડિંગ-અનલોડિંગની પ્રક્રિયા પણ ગંભીર રીતે પ્રભાવિત થઈ છે, જેને લઈને વેપારીઓમાં આ રોષ જોવા મળી રહ્યો છે કે આ નુકસાનની ભરપાઈ કોણ કરશે.
બીજી બાજુ, આ રાજકીય વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રેલીમાં આવનારા લોકોને બજારોની મુલાકાત લઈને ખરીદી કરવા અને વેપારીઓને સમર્થન આપવા અપીલ કરી હતી, જેથી વેપારીઓને કોઈ નુકસાન ન થાય. જોકે, ભાજપના સાંસદ પ્રવીણ ખંડલવાલે રાહુલ ગાંધીની આ અપીલની સખત આલોચના કરતા તેને દિલ્હીના વેપારીઓ સાથે ક્રૂર મજાક ગણાવી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે દિલ્હીના બજારોને રાજકીય ભીડની નહીં પરંતુ સાચા ગ્રાહકો અને ખરીદદારોની જરૂર છે. CTI એ સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈપણ રાજકીય રેલીની વિરુદ્ધ નથી, પરંતુ તહેવારોની આ મહત્વપૂર્ણ મોસમમાં વેપાર અને માલસામાનની અવરજવર નિર્વિઘ્ન ચાલુ રહે તેવા આયોજનની અપેક્ષા ચોક્કસ રાખે છે.
