JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

ઝારખંડમાં પોલીસ સ્ટેશનની અંદર જ મહિલા પર બળાત્કાર, કોન્સ્ટેબલની ધરપકડ અને પાંચ સસ્પેન્ડ

Nov 01, 2026 | 12:38 | By JAMNAGAR MIRROR
ઝારખંડમાં પોલીસ સ્ટેશનની અંદર જ મહિલા પર બળાત્કાર, કોન્સ્ટેબલની ધરપકડ અને પાંચ સસ્પેન્ડ
ઝારખંડના સૈરાકેલા-ખરસવાં જિલ્લામાં પોલીસ સ્ટેશનની અંદર જ મહિલા સાથે દુષ્કર્મ આચરવાના ગંભીર કેસમાં એક કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે. આ ઘૃણાસ્પદ ઘટના બાદ ફરજમાં બેદરકારી દાખવનાર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સહિત પાંચ પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ઝારખંડના સૈરાકેલા-ખરસવાં જિલ્લાના ગામહારીયા પોલીસ સ્ટેશન હદમાં કાયદો અને વ્યવસ્થાને શરમમાં મૂકતી આ ઘટના ૨૯ ઓક્ટોબરની રાત્રે બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, પીડિતાએ પોતાના પતિ સાથેના ઝઘડા બાદ સુરક્ષા માટે પડોશીના ઘરે આશરો લીધો હતો અને ફોન કરીને પોલીસની મદદ માંગી હતી. ત્યારબાદ પીસીઆર વાન દ્વારા તેને પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી અને રાત્રે આરામ કરવા માટે એક રૂમ ફાળવવામાં આવ્યો હતો. આ જ દરમિયાન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા વાયરલેસ ઓપરેટર અને આરોપી કોન્સ્ટેબલે સુરક્ષાની જવાબદારી ભૂલીને તેની સાથે આ જઘન્ય કૃત્ય આચર્યું હતું.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ અધિક્ષક મનોજ સ્વર્ગિયારીએ સબ-ડિવિઝનલ પોલીસ ઓફિસર (SDPO) અનુભવ ભારદ્વાજને આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ સોંપી હતી. એસડીપીઓના તપાસ અહેવાલના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી કોન્સ્ટેબલની ધરપકડ કરી લીધી હતી અને અદાલતે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. આ સાથે જ એસપીએ ફરજ પ્રત્યે બેદરકારી, બિનજવાબદારી અને શિસ્તભંગ બદલ ગામહારીયા પોલીસ સ્ટેશનના પ્રભારી અને અન્ય ચાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી પોલીસ લાઈન હાજર કરવાનો આદેશ આપ્યો છે. પોલીસે આરોપીના ઘટના સમયના કપડા કબજે કરી ફોરેન્સિક તપાસ માટે રાંચીની લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે.

આ સંવેદનશીલ મુદ્દા પર રાજ્યનું રાજકારણ પણ ગરમાયું છે, જેમાં વિપક્ષી પક્ષ ભાજપે રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. ભાજપના ઝારખંડ પ્રમુખ આદિત્ય સાહુએ આક્ષેપ કર્યો છે કે વર્તમાન શાસનમાં પોલીસ પ્રશાસનનો ડર નાબૂદ થઈ ગયો છે અને આવી ઘટનાઓ સામાન્ય બની રહી છે. તેમણે પોલીસ અધિકારીઓની નિમણૂક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા, જેના કારણે સામાન્ય જનતાનો શાસક ગઠબંધન પરથી વિશ્વાસ ઉઠી ગયો હોવાનું જણાવ્યું હતું. સુરક્ષાદાતા જ જ્યારે રક્ષકમાંથી ભક્ષક બને ત્યારે સમગ્ર પોલીસ વિભાગ પર વિશ્વાસ મૂકવો મુશ્કેલ બને છે તેવું આ કિસ્સો સાબિત કરે છે.

LATEST ARTICLES