દેશના ૨૯મા વાયુસેના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યાના એક જ દિવસ બાદ, એર ચીફ માર્શલ આશુતોષ દીક્ષિતે રવિવારે ભારતીય વાયુસેનાની ભાવિ રણનીતિ અંગે સ્પષ્ટ રૂપરેખા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં આપણી સુરક્ષા વ્યવસ્થા સામેના પડકારો સતત વધી રહ્યા છે. આ પરિસ્થિતિમાં વાયુસેનાની મંજૂર થયેલી ફાઇટર સ્ક્વોડ્રનની સંખ્યાને પૂરતી ક્ષમતા સાથે પુનઃસ્થાપિત કરવી અને પ્લેટફોર્મ તેમજ શસ્ત્ર પ્રણાલીઓમાં દેશને આત્મનિર્ભર બનાવવો એ તેમનું મુખ્ય લક્ષ્ય રહેશે. આ સાથે જ તેમણે રાષ્ટ્રીય સુરક્ષા માટે ત્રણેય સેનાઓ વચ્ચે પરસ્પર સંકલન અને સહયોગ વધારવા પર પણ વિશેષ ભાર મૂક્યો હતો.
આધુનિક યુદ્ધ પદ્ધતિઓમાં આવી રહેલા આમૂલ પરિવર્તનોને ધ્યાનમાં રાખીને નવા વાયુસેના પ્રમુખે 'VAYU' (વાયુ) નામના સંક્ષિપ્ત શબ્દ દ્વારા તેમના વિઝનના ચાર મુખ્ય સ્તંભો સ્પષ્ટ કર્યા છે. જેમાં 'V' એટલે સતર્કતા અને ઓપરેશનલ સજ્જતા (Vigilance and operational readiness), 'A' એટલે સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા (Aatmanirbharta), 'Y' એટલે યુદ્ધની રણનીતિમાં ટેક્નોલોજીકલ અને ટેક્ટિકલ ઇનોવેશન (Yukti), અને 'U' એટલે ત્રણેય સેનાઓ વચ્ચે સંકલિત પ્રયાસોની એકતા (Unity of effort) નો સમાવેશ થાય છે. આ વિઝન દ્વારા તેઓ વાયુસેનાને કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે સર્વસક્ષમ બનાવવા ઈચ્છે છે.
વર્તમાન સમયમાં યુદ્ધનું સ્વરૂપ ખૂબ જ ઝડપથી બદલાઈ રહ્યું છે તેનો સ્વીકાર કરતા એર ચીફ માર્શલે જણાવ્યું હતું કે ડ્રોન, લોંગ-રેન્જ પ્રિસિઝન હથિયારો, સ્પેસ, સાયબર ટેક્નોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ જેવી નવીન ટેક્નોલોજીઓ યુદ્ધના ક્ષેત્રને નવો આકાર આપી રહી છે. આ બદલાતા વૈશ્વિક અને સુરક્ષા પરિદ્રશ્યમાં ભારતીય વાયુસેના માત્ર પ્રતિક્રિયાત્મક નહીં પરંતુ સક્રિય અને ટેક્નોલોજીથી સજ્જ અગ્રેસર દળ બની રહે તે માટે તેઓ કટીબદ્ધ છે. તેમના આ દૂરદર્શી રોડમેપથી ભવિષ્યના પડકારો સામે દેશનું આકાશ વધુ સુરક્ષિત બનશે તેવી દ્રઢ શ્રદ્ધા વ્યક્ત કરવામાં આવી રહી છે.
