વેલોર જિલ્લાના પેર્નામપટ્ટુ સ્થિત સરકારી ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં ધોરણ ૧૧માં અભ્યાસ કરતી પૂજા અને લિવાશ્રી નામની બે ૧૬ વર્ષીય સગીરાઓ ગત શુક્રવારે સવારે પોતાના ઘરેથી શાળાએ જવા નીકળી હતી, પરંતુ સમયસર શાળાએ પહોંચી નહોતી. વિદ્યાર્થિનીઓ શાળાએ ન પહોંચતા સંચાલકોએ તરત જ તેમના વાલીઓને જાણ કરી હતી. વાલીઓએ ફોન કરીને બંને કિશોરીઓને ડાબટ આપતા તેઓ ડરી ગઈ હતી અને ઘરે પરત ફરવાને બદલે ઘર છોડીને ભાગી જવાનું નક્કી કર્યું હતું. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે બંને સગીરાઓ પહેલા ગુડિયાથમના પ્રવાસે ગઈ હતી અને ત્યાં એક મિત્રને મળ્યા બાદ ટ્રેન દ્વારા બેંગલુરુ થઈને શનિવારે વહેલી સવારે આશરે સાડા ચાર વાગે ચેન્નઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પહોંચી હતી.
ચેન્નઈ રેલવે સ્ટેશન પહોંચ્યા બાદ આ બંને કિશોરીઓએ બસ પકડી હતી અને કિલપૌક વિસ્તારમાં આવેલ ન્યુ અવાડી રોડ પર ઉતરી ગઈ હતી. શનિવારે સવારે આશરે સાડા આઠ વાગ્યાના અરસામાં ચેન્નઈ કોર્પોરેશનના વિજિલન્સ વિભાગના હેડ કોન્સ્ટેબલ વસંતકુમારે તેમને શંકાસ્પદ હાલતમાં જોઈ હતી. તેમની લાચારી અને મૂંઝવણ પારખીને સતર્ક કોન્સ્ટેબલે તાત્કાલિક ધોરણે બંને સગીરાઓને પોતાની સુરક્ષિત કસ્ટડીમાં લીધી હતી અને પૂછપરછ માટે કિલપૌક પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. આ સરાહનીય કામગીરીથી એક મોટો સંભવિત અનર્થ ટળી ગયો હતો અને પોલીસ તથા વહીવટી તંત્રની સમયસૂચકતા કાબિલે તારીફ સાબિત થઈ હતી.
કિલપૌક પોલીસ સ્ટેશનમાં પ્રાથમિક પૂછપરછ કર્યા બાદ પોલીસે આ કેસની આગળની કાર્યવાહી માટે બંને સગીરાઓને K6 ટી.પી. છાત્રમ પોલીસ સ્ટેશનને સોંપી હતી. આ પોલીસ સ્ટેશન હાલ પેર્નામપટ્ટુ પોલીસ સાથે મળીને સમગ્ર મામલાની વધુ તપાસ ચલાવી રહ્યું છે. સગીરાઓ મળી આવ્યાની જાણ થતાં જ પોલીસે તરત જ તેમના વાલીઓનો સંપર્ક સાધીને સમગ્ર હકીકત જણાવી હતી. હાલમાં બંને વિદ્યાર્થિનીઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને ટૂંક સમયમાં જ તેમને કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેમના પરિવારજનોને સોંપવામાં આવશે.
