JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

તમિલનાડુમાં ઓક્ટોબર માસમાં સોલાર પાવર ઉત્સાદનમાં સર્જાયો ઐતિહાસિક રેકોર્ડ

Oct 31, 2026 | 23:10 | By JAMNAGAR MIRROR
તમિલનાડુમાં ઓક્ટોબર માસમાં સોલાર પાવર ઉત્સાદનમાં સર્જાયો ઐતિહાસિક રેકોર્ડ
તમિલનાડુમાં ચોમાસાની વિરામ બાદ ખુલ્લા આકાશ અને તેજસ્વી તડકાના કારણે સોલાર પાવરનું ઉત્પાદન સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચ્યું છે. રાજ્યમાં પ્રથમ વખત ઓક્ટોબર મહિનામાં વીજળી ઉત્પાદને ૮,૮૧૮ મેગાવોટનો આંકડો વટાવીને નવો ઇતિહાસ રચ્યો છે.

તમિલનાડુમાં 'અર્નાબ' વાવાઝોડાની અસર ઓસરી ગયા બાદ અને ઉત્તર-પૂર્વ ચોમાસાએ થોડો વિરામ લેતાં રાજ્યના રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે એક અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ થઈ છે. તમિલનાડુ પાવર ડિસ્ટ્રિબ્યુશન કોર્પોરેશન લિમિટેડ (TNPDCL) દ્વારા પ્રાપ્ત સત્તાવાર આંકડાઓ અનુસાર, ગત શુક્રવારે રાજ્યમાં સોલાર પાવરનું પીક જનરેશન વધીને ૮,૮૧૮ મેગાવોટ પર પહોંચી ગયું હતું. આ રેકોર્ડ ૧૨,૯૪૬ મેગાવોટની કુલ સ્થાપિત સોલાર ક્ષમતામાંથી મેળવવામાં આવ્યો છે, જેણે ગત ૨૯ સપ્ટેમ્બરના રોજ નોંધાયેલા ૮,૭૭૯ મેગાવોટના અગાઉના સર્વોચ્ચ રેકોર્ડને પાછળ છોડી દીધો છે. માત્ર પીક જનરેશન જ નહીં, પરંતુ શુક્રવારે રાજ્યમાં કુલ ૬૩.૯૭ મિલિયન યુનિટ (MU) સોલાર વીજળીનું ઉત્પાદન પણ નોંધાયું હતું.

વાવાઝોડા અને ભારે વરસાદના સમયગાળા દરમિયાન રાજ્યમાં સતત વાદળછાયું વાતાવરણ રહેવાને કારણે સૌર ઊર્જાના ઉત્પાદનને મોટો ફટકો પડ્યો હતો. જો કે, કુદરતી પરિસ્થિતિ બદલાતા અને સ્વચ્છ આકાશ વચ્ચે સૂર્યના તાપનો પૂરેપૂરો લાભ મળતા સોલાર ઉત્પાદનમાં તંદુરસ્ત સુધારો જોવા મળ્યો છે. અગાઉ વરસાદના કારણે વીજ માંગમાં પણ ઘટાડો નોંધાયો હતો અને વીજ વપરાશ ૪૦૦ મિલિયન યુનિટની નીચે સરકી ગયો હતો. પરંતુ હવે હવામાનમાં સુધારો થતાં અને ફરીથી સામાન્ય આર્થિક તેમજ વ્યાપારી ગતિવિધિઓ શરૂ થતાં રાજ્યની કુલ વીજ વપરાશ ફરી એકવાર ૪૦૦ મિલિયન યુનિટના આંકને પાર કરી ગયો છે, જે રાજ્યના વિકાસ માટે સકારાત્મક સંકેત છે.

આ ઐતિહાસિક સફળતા તમિલનાડુની ગ્રીન એનર્જી ક્ષેત્રે વધતી જતી સક્ષમતા અને મજબૂત માળખાકીય સુવિધાઓની પ્રતીતિ કરાવે છે. નિષ્ણાતોના મતે, જેમ જેમ રાજ્ય રિન્યુએબલ એનર્જી તરફ વધુ ઝુકાવ વધારી રહ્યું છે, તેમ તેમ ભવિષ્યમાં પરંપરાગત વીજળી પરનું દબાણ ઘટશે અને સ્વચ્છ ઊર્જા ક્ષેત્રે નવા દ્વાર ખૂલશે. રાજ્ય સરકાર અને પાવર ડિસ્ટ્રિબ્યુશન કોર્પોરેશનના કુશળ આયોજનના કારણે બદલાતા હવામાન વચ્ચે પણ ઊર્જાની માંગ અને પુરવઠા વચ્ચે ઉત્તમ સંતુલન જાળવી શકાયું છે, જે સમગ્ર દેશના ઉર્જા ક્ષેત્ર માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

LATEST ARTICLES