JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

રાષ્ટ્ર નિર્માણમાં અડચણરૂપ બની રહેલા વિપક્ષો સામે પીએમ મોદીનો આકરો પ્રહાર

Oct 31, 2026 | 22:22 | By JAMNAGAR MIRROR
રાષ્ટ્ર નિર્માણમાં અડચણરૂપ બની રહેલા વિપક્ષો સામે પીએમ મોદીનો આકરો પ્રહાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં એકતા દિવસના અવસરે વિપક્ષો પર આકરા પ્રહારો કરતા તેમને 'અવરોધ પક્ષ' ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે વિપક્ષનું કામ સરકારની નીતિઓનો વિરોધ કરવાનું છે, પરંતુ દેશની પ્રગતિમાં અડચણો ઊભી કરવાનું નથી.

ગુજરાતમાં આયોજિત 'એકતા દિવસ'ના ભવ્ય સમારોહને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષો પર દેશને તોડવાના અને વિકાસની રફથારને અટકાવવાના ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે વિપક્ષનું મુખ્ય કાર્ય સરકારની નીતિઓ સામે પડકાર ફેંકવાનું અને લોકશાહીમાં રચનાત્મક વિરોધ કરવાનું છે, પરંતુ દુર્ભાગ્યવશ આજે વિપક્ષ એક 'અવરોધક શક્તિ' બની ગયો છે. છેલ્લા એક દાયકાથી સત્તા બહાર હોવાની હતાશા અને નિરાશામાં ડૂબેલા આ લોકો હવે ખુલ્લેઆમ દેશના વિકાસ પથ પર કાંટા વેરવાનું રાજકારણ કરી રહ્યા છે અને બંધારણની મર્યાદાઓ તથા ગરિમાને પણ ઠેસ પહોંચાડી રહ્યા છે.

વડાપ્રધાને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું નામ લીધા વિના તેમના વિદેશ પ્રવાસો અને ગુપ્ત મુલાકાતો પર પણ કટાક્ષ કર્યો હતો. તેમણે દેશવાસીઓને સાવચેત કરતા જણાવ્યું કે વિદેશની ધરતી પર કોણ ગુપ્ત રીતે કોને મળી રહ્યું છે અને ભારત વિરોધી તાકાતો કોને સમર્થન આપી રહી છે તે પેટર્નને ઓળખવી અનિવાર્ય છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ અફવાઓ ફેલાવવા અને ભારતની વૈશ્વિક છબીને ખરડવા માટે હથિયાર તરીકે થઈ રહ્યો હોવાનું જણાવી તેમણે નાગરિકોને આ પ્રકારના ષડયંત્રો સામે સંયુક્ત રીતે લડવા માટે આહ્વાન કર્યું હતું. આ ઉપરાંત, દેશમાં 'ગરીબી હટાવો'ના માત્ર નારા પોકારનારાઓ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે દાયકાઓ સુધી માત્ર રાજનીતિ થઈ પરંતુ ગરીબોની વાસ્તવિક સ્થિતિ સુધારી ન શકાઈ.

દેશના સર્વાંગી વિકાસ અને સુરક્ષા મુદ્દે વાત કરતા પીએમ મોદીએ વર્લ્ડ બેંકના અહેવાલને ટાંકીને દાવો કર્યો કે છેલ્લા ૧૦-૧૨ વર્ષમાં ભારતમાં ૫૦ કરોડ લોકોએ અત્યંત ગરીબીમાંથી મુક્તિ મેળવી છે. સરકાર દ્વારા નિઃશુલ્ક અનાજ વિતરણ, આયુષ્યમાન ભારત હેઠળ સ્વાસ્થ્ય સેવાઓ, પક્કા મકાનોનું નિર્માણ અને સ્વચ્છ ઇંધણની પ્રાપ્તિ જેવી કલ્યાણકારી યોજનાઓએ ગરીબ પરિવારોનું જીવનધોરણ ઉપર લાવવામાં મોટો ફાળો આપ્યો છે. ભાષણના અંતે તેમણે દેશમાંથી નક્સલવાદ અને માઓવાદના ખાત્માની ઐતિહાસિક જાહેરાત કરતા કહ્યું કે શારીરિક નક્સલવાદનો અંત આવ્યા બાદ હવે સમાજ માટે 'દિમાગી નક્સલવાદ'નું મોટું જોખમ તોળાઈ રહ્યું છે જેનાથી પણ સતર્ક રહેવાની જરૂર છે.

LATEST ARTICLES