તાજેતરમાં કોંગ્રેસ અને વિપક્ષી ગઠબંધન દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ 'મોક ઇમ્પીચમેન્ટ' અને નકલી સંસદ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન દરમિયાન વિપક્ષોએ કેન્દ્ર સરકાર પર ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિ આચરવાના ગંભીર આરોપો લગાવ્યા હતા અને ચૂંટણી કમિશનરને પદ પરથી હટાવવાની માંગણી દોહરાવી હતી. કોંગ્રેસનો દાવો છે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) સાથે જોડાયેલા નિર્ણયો અન્ય કમિશનરોની મંજૂરી વગર લેવામાં આવ્યા હતા, જે લોકશાહીની વિરુદ્ધ છે. વિપક્ષી દળોના આ આક્રમક વલણ સામે ભારતીય જનતા પાર્ટીએ પણ કડક પ્રત્યુતર આપવાની સાથે રાજકીય કટાક્ષોના શસ્ત્રો ઉગામ્યા છે.
આ મામલે એક પત્રકાર પરિષદને સંબોધતા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અને સાંસદ સંબિત પાત્રાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કટાક્ષ કરતા જણાવ્યું કે જો વિપક્ષને સત્તા જ જોઈતી હોય તો તેઓ પોતાની 'મોક સંસદ'માં રાહુલ ગાંધીને કુર્તા-પાયામા પહેરાવીને નકલી વડાપ્રધાન ઘોષિત કરી દે અને ત્યાં રોજ તેમનો જયજયકાર કરે, પરંતુ દેશની વાસ્તવિક સંસદ અને લોકશાહી સાથે ચેડાં ન કરવા જોઈએ. પાત્રાએ ઉમેર્યું કે જનતા દ્વારા ચૂંટણીઓમાં વારંવાર નકારવામાં આવ્યા બાદ હવે વિપક્ષી નેતાઓ લોકતાંત્રિક પ્રક્રિયાથી ભાગીને આંદોલનો અને અરાજકતા દ્વારા સત્તા હડપવાના સપના જોઈ રહ્યા છે.
વધુમાં ભાજપના નેતાએ ડાબેરી સંગઠનો અને બાંગ્લાદેશના ઉદાહરણો ટાંકીને વિપક્ષી આંદોલન પાછળના ગંભીર ઈરાદાઓ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે વિરોધ પ્રદર્શનની આડમાં દેશમાં બાંગ્લાદેશ કે નેપાળ જેવી અસ્થિર પરિસ્થિતિ ઊભી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જે ક્યારેય સફળ નહીં થાય. ભારતીય સેના અને પોલીસ વિરુદ્ધ નિવેદનબાજી કરનારાઓ પર પ્રહાર કરતા પાત્રાએ સ્પષ્ટ કર્યું કે ભારત કોઈ 'બનાના રિપબ્લિક' નથી અને દેશની જનતા વિપક્ષના આ મનસૂબા સારી રીતે સમજે છે. જંતરમંતરથી શરૂ થયેલું આ આંદોલન ત્યાં જ સમાપ્ત થઈ જશે કારણ કે ભારતનો વ્યાપ માત્ર અમુક કિલોમીટરના વિસ્તાર પૂરતો સીમિત નથી.
