ED ની પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે કંપનીએ ખૂબ જ આયોજનબદ્ધ રીતે આર્થિક ગુના આચર્યા છે. વિવિધ આકર્ષક અને ગેરમાર્ગે દોરતી સ્કીમોના માધ્યમથી આ કંપનીએ રોકાણકારો પાસેથી કુલ ૪૦૦ કરોડ રૂપિયા જેટલી મોટી રકમ એકત્રિત કરી હતી. આટલી મોટી રકમ એકઠી કર્યા બાદ, નિયમોની વિરુદ્ધ જઈને આ ભંડોળની અન્યત્ર હેરાફેરી (ફંડ ડાયવર્ઝન) કરવામાં આવી હતી. રોકાણકારોના વિશ્વાસ સાથે ચેડાં કરીને એકત્રિત કરાયેલા નાણાંનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનું તપાસમાં સ્પષ્ટ થયું છે.
તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, ગેરકાયદેસર રીતે એકત્ર કરાયેલા આ નાણાંમાંથી એક મોટો હિસ્સો એજન્ટો અને કંપનીના મુખ્ય હોદ્દેદારોને ભારે ભરખમ કમિશન તરીકે ચૂકવવામાં આવ્યો હતો. આ નેટવર્કે સામાન્ય નાગરિકોને ટાર્ગેટ કરવા માટે એક વિશાળ એજન્ટ માળખું ઊભું કર્યું હતું, જેઓ લોકોને ટૂંકા સમયમાં પૈસા ડબલ કરી આપવાની કે અધધ વળતર આપવાની ખોટી બાંહેધરી આપતા હતા. જ્યારે રોકાણકારોએ પોતાની મુડી કે વળતરની માંગણી કરી ત્યારે કંપની દ્વારા ટાળી દેવામાં આવ્યા હતા, જે બાદ સમગ્ર મામલો સપાટી પર આવ્યો હતો.
આ કેસમાં મની લોન્ડરિંગ પ્રિવેન્શન એક્ટ (PMLA) હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ED દ્વારા જપ્ત કરવામાં આવેલી સંપત્તિઓમાં વિવિધ બેંક ખાતાઓમાં રહેલી રકમ, જમીનો અને અન્ય મહત્ત્વની મિલકતોનો સમાવેશ થાય છે. તપાસ એજન્સી હવે આ કૌભાંડના મુખ્ય સૂત્રધારા અને અન્ય સંડોવાયેલા મોટા માથાઓની સઘન પૂછપરછ કરી રહી છે તેમજ ગેરકાયદેસર રીતે વહેંચવામાં આવેલા નાણાં અને અન્ય છુપાયેલી સંપત્તિઓને શોધી કાઢવા માટે દેશવ્યાપી તપાસના ચક્રોગતિમાન કર્યા છે.
