શનિવારે બપોરે બાર વાગ્યાની આસપાસ નાલાસોપારા (પશ્ચિમ)ના પાટણકર પાર્ક વિસ્તારમાં આવેલી 'ધનંજય એવન્યુ' નામની સાત માળની રહેણાંક ઇમારતમાં આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. બિલ્ડિંગમાં રહેતા એડવોકેટ સતીશ ભોંડવે અને તેમના સાત મહેમાનો પાંચમા માળેથી ગ્રાઉન્ડ ફ્લોર પર જવા માટે લિફ્ટમાં બેઠા હતા, તે જ સમયે અચાનક ટેકનિકલ ખામી સર્જાતા લિફ્ટ બેકાબૂ બનીને ભારે ઝડપથી નીચે તરફ ધસી ગઈ હતી અને તૂટી પડી હતી. લિફ્ટના અચાનક તૂટી પડવાને કારણે મોટો અવાજ થયો હતો, જેનાથી સમગ્ર બિલ્ડિંગમાં ડરનો માહોલ ફેલાઈ ગયો હતો.
મોટા ધડાકાનો અવાજ સાંભળીને ઇમારતના અન્ય રહેવાસીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ લિફ્ટના દરવાજા તોડીને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, લિફ્ટ અચાનક નીચે પડાવાને કારણે અંદર રહેલા તમામ લોકો એકબીજા પર ફંગોળાયા હતા, જેમાં ખાસ કરીને કેટલાક લોકોને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. સ્થાનિક નાગરિકોની સમયસૂચકતા અને મદદને કારણે તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.
ઘટનાની જાણ થતા જ નાલાસોપારા પોલીસ સ્ટેશનના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સમગ્ર સ્થળની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક માહિતી મુજબ આ ઇમારત લગભગ ત્રણ વર્ષ જૂની છે અને તેના રિડેવલપમેન્ટ બાદ સોસાયટી અઢી વર્ષ પહેલા જ અસ્તિત્વમાં આવી હતી. સોસાયટીના અધ્યક્ષના જણાવ્યા મુજબ લિફ્ટમાં સુરક્ષા માટે સ્પ્રિંગ મિકેનિઝમ પણ બેસાડવામાં આવી હતી, છતાં આ ગંભીર અકસ્માત સર્જાતા બિલ્ડિંગની લિફ્ટ મેન્ટેનન્સ અને સુરક્ષાના માપદંડો સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
