અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિ એટલે કે 'રાષ્ટ્રીય એકતા દિવસ' નિમિત્તે જામનગરમાં શ્રી ખોડલધામ સમિતિ દ્વારા એક ભવ્ય અને ઐતિહાસિક 'એકતા રેલી'નું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભક્તિના પ્રખર ઉત્સાહ સાથે રણજીતસાગર રોડ પર આવેલા ખોડલધામ કાર્યાલય ખાતેથી આ રેલીનો પ્રારંભ થયો હતો. લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયા, પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી સહિત શ્રી ખોડલધામના ટ્રસ્ટીઓ, જિલ્લા કન્વીનરો અને સમાજના વરિષ્ઠ આગેવાનોએ ખાસ ઉપસ્થિત રહીને આ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ વિશાળ રેલીમાં ૪૦૦થી વધુ કાર અને બાઈક સહિત કુલ ૫૦૦થી વધુ વાહનોના કાફલા સાથે ૧૦૦૦થી વધુ અગ્રણીઓ અને યુવાનો ઉત્સાહભેર જોડાયા હતા. ખોડલધામ કાર્યાલયથી શરૂ થયેલી આ એકતા રેલી શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરી હતી, જ્યાં વિવિધ વિસ્તારોમાં શહેરીજનો દ્વારા પુષ્પવર્ષા કરીને તેનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. માર્ગમાં આવતી મયુર ટાઉનશીપ સહિતના વિવિધ સ્થળોએ સરદાર સાહેબની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી તેમના અખંડ ભારતના નિર્માણના યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું. રેલીના સમગ્ર રૂટ દરમિયાન વાતાવરણમાં એક અનોખો ઉમંગ અને રાષ્ટ્રભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.
શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થયા બાદ આ ભવ્ય એકતા રેલી રણજીતનગર પટેલ સમાજ ખાતે પહોંચી હતી. અહીં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સુતરની આંટી અને ફૂલહાર પહેરાવી ભાવભીની પુષ્પાંજલિ અર્પણ કરવા સાથે રેલીનું ઔપચારિક સમાપન કરવામાં આવ્યું હતું. જામનગર શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સરદાર પટેલની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન "સરદાર પટેલ અમર રહો" અને "ભારત માતા કી જય"ના ગગનભેદી નારાઓ ગુંજ્યા હતા, જેનાથી જામનગરનું સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ ગયું હતું.
