JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
JAMNAGAR

તહેવારો અને વેકેશન ટાણે જામનગર એસ.ટી. તંત્ર દ્વારા વિશેષ બસોની જાહેરાત, નાગરિકો દ્વારા સિટી બસોના સંચાલન અંગે ખાસ માંગ

Oct 30, 2026 | 19:45 | By JAMNAGAR MIRROR
તહેવારો અને વેકેશન ટાણે જામનગર એસ.ટી. તંત્ર દ્વારા વિશેષ બસોની જાહેરાત, નાગરિકો દ્વારા સિટી બસોના સંચાલન અંગે ખાસ માંગ
આગામી તહેવારો અને વેકેશનની મોસમમાં મુસાફરોની સુવિધા માટે જામનગર એસ.ટી. તંત્ર દ્વારા વિવિધ માર્ગો પર વિશેષ બસો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે બીજી તરફ સ્થાનિક સ્તરે મોડી રાત્રે અને વહેલી સવારે આવતા પ્રવાસીઓની સગવડાર્થે ઈ-સિટી બસોનું સંચાલન મધ્યરાત્રિ સુધી લંબાવવાની લોકમાંગ ઉઠી છે.

આગામી તહેવારો અને દિવાળી વેકેશન દરમિયાન મુસાફરોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને જામનગર એસ.ટી. વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જામનગર બસ ડેપોથી દ્વારકા, પોરબંદર, સોમનાથ, જૂનાગઢ ઉપરાંત મંડોર, ઝાલોદ, છોટા ઉદેપુર અને સંજેલી જેવા દૂરના સ્થળોને જોડતી વધારાની (એકસ્ટ્રા) બસો દોડાવવાની સત્તાવાર જાહેરાત કરાઈ છે. આ વિશેષ બસ સેવાઓ આગામી ચોથી નવેમ્બરથી શરૂ થઈને ૨૪ નવેમ્બર સુધી કાર્યરત રહેશે, એટલું જ નહીં, ૫૧ વ્યક્તિઓના કોઈપણ જૂથ દ્વારા માંગણી કરવામાં આવે તો તેમના માટે પણ વિશેષ બસો ફાળવવાની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. આ પગલાથી લાંબા અંતરની મુસાફરી કરતા પ્રવાસીઓને મોટી રાહત મળશે અને તહેવારોમાં વતન જતા લોકોને આવાગમનમાં સરળતા રહેશે.

બીજી બાજુ, સ્થાનિક પરિવહનને લઈને શહેરીજનો અને બહારથી આવતા મુસાફરો દ્વારા એક મહત્વનો મુદ્દો આગળ ધરવામાં આવી રહ્યો છે. તહેવારો અને વેકેશનના આ સમયગાળામાં લોકો મોડી રાત સુધી અવર-જવર કરતા હોય છે, તેમજ રાજ્યના અન્ય જિલ્લાઓ કે બહારથી ટ્રેન, બસ કે ખાનગી વાહનો મારફતે જામનગર પહોંચતા પ્રવાસીઓને મોડી રાત્રે કે વહેલી સવારે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સ્ટેશનો પર ઉતરતા આવા મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવા માટે ખાનગી વાહનોનું ખૂબ જ મોંઘુ ભાડું ચૂકવવું પડે છે અથવા તો ભારે હેરાનગતિ વેઠવી પડે છે, જેને કારણે સ્થાનિક સ્તરે પરિવહન વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવાની આવશ્યકતા વર્તાઈ રહી છે.

આ સમસ્યાના કાયમી ઉકેલ માટે જામનગર મહાનગરપાલિકા અને જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન દ્વારા ઈ-સિટી બસો તેમજ ગેસ આધારિત જૂની બસોના સંકલનથી એક વિસ્તૃત આયોજન થાય તેવી પ્રબળ લોકમાંગ ઉઠી છે. જો તહેવારોના દિવસોમાં સિટી બસોનો સમય સવારે પાંચ વાગ્યાથી શરૂ કરીને મધ્યરાત્રિ સુધી લંબાવવામાં આવે અને તેમાં રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, બાયપાસ, રીંગરોડ તેમજ હાપા સર્કલ, એરપોર્ટ અને એરફોર્સ જેવા મહત્વપૂર્ણ વિસ્તારોને સાંકળી લેવામાં આવે, તો નગરજનો અને બહારગામથી આવતા પ્રવાસીઓ તથા પરપ્રાંતિય પરિવારોને વાજબી દરે ઉત્તમ સુગમતા મળી શકે તેમ છે. આ દિશામાં માત્ર વ્યવસાયિક દ્રષ્ટિકોણ નહીં, પરંતુ લોકકલ્યાણ અને જાહેર સેવાની ભાવના રાખીને તંત્ર દ્વારા સત્વરે સકારાત્મક નિર્ણય લેવામાં આવે તેવી જનતાની અપેક્ષા છે.

LATEST ARTICLES