JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

જમીન વેડફાઈ ગઈ: 7 લાખની લોન સામે ખેડૂતની 5 વિઘા જમીન પચાવી પાડનાર શખ્સ સામે પોલીસ ફરિયાદ

Oct 29, 2026 | 17:27 | By JAMNAGAR MIRROR
જમીન વેડફાઈ ગઈ: 7 લાખની લોન સામે ખેડૂતની 5 વિઘા જમીન પચાવી પાડનાર શખ્સ સામે પોલીસ ફરિયાદ
રાજકોટના એક શખ્સ સામે કોટડા સાંગાણીના ખેડૂતે જમીન ઓળવી લીધાની ફરિયાદ નોંધાવી છે. 7 લાખની લોન સામે 32 લાખની ઉઘરાણી કરી અને છેલ્લે જમીન પણ પડાવી લેવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના જુની મેંગણી ગામમાં રહેતા ધર્મેન્દ્રભાઈ ભાલોડીયા નામના ખેડૂતને વર્ષ 2018 માં નાણાકીય જરૂરિયાત ઊભી થઈ હતી. આ માટે તેમણે રાજકોટના નાનામવા રોડ પર આવેલી પટેલ ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ નામની પેઢીનો સંપર્ક કર્યો હતો અને 7 લાખ રૂપિયા 5 ટકાના ઊંચા વ્યાજે લીધા હતા. આ વ્યાજની રકમ ચૂકવવામાં મુશ્કેલી પડતા આખરે આસામીઓ દ્વારા ખેડૂતની જમીન જડપમાં લેવાનું શરૂ કરવામાં આવ્યું હતું, જેના કારણે કંટાળીને આ મામલો પોલીસ સુધી પહોંચ્યો છે.

આ કેસની વિગત મુજબ લોનની સામે રાજકોટના વેજા ગામના વિક્રમ ડાંગરના નામે જમીનનું સાટાખત કરી આપવામાં આવ્યું હતું. ત્યારબાદ વર્ષ 2019 માં વિક્રમના ભાઈ અરવિંદના નામે જમીનનો દસ્તાવેજ કરાવી લેવાયો હતો. મૂળ 7 લાખ રૂપિયાની સામે વ્યાજ અને અન્ય ચાર્જ ગણીને કુલ 32 લાખ રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી હતી. આટલું જ નહીં, 5 વિઘા જમીનનો દસ્તાવેજ નૈમિષ મેઘાણીના નામે કરવાનું કહીને તેમાંથી 2 એકર જગ્યા અલ્પેશ દોંગાએ પોતાના નામે પણ કરાવી લીધી હોવાનું બહાર આવ્યું છે.

આ મામલે પીડિત ખેડૂતે પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. આ શખ્સ સામે અગાઉ રાજકોટ ઉપરાંત જામનગરમાં પણ આ જ પ્રકારે ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડવાની ફરિયાદો થઈ ચૂકી છે. પોલીસે આ સમગ્ર ઠગાઈ અને જમીન હડપ કરવાના કૌભાંડ અંગે ગુનો નોંધીને આગળની કડક કાનૂની તપાસ હાથ ધરી છે.

LATEST ARTICLES