ફિલિપાઇન્સમાં કેક વેચતા એક સામાન્ય બેકરને ઓનલાઈન બિઝનેસ માટે એપ બનાવવી હતી, તો બીજી તરફ સેન ફ્રાન્સિસ્કોની એક મહિલાને પોતાના પતિ સાથે મૂવી નાઈટની પસંદગી માટે થતી દલીલો અટકાવવા માટે સોલ્યુશન જોઈતું હતું. સામાન્ય રીતે આવા પ્રોજેક્ટ્સ માટે સોફ્ટવેર ડેવલપમેન્ટ ટીમની જરૂર પડે છે, પરંતુ આ બંનેમાંથી કોઈ પાસે ટેકનિકલ બેકગ્રાઉન્ડ નહોતું છતાં તેમણે આશ્ચર્યજનક રીતે પોતાના એપ્સ જાતે જ તૈયાર કરી લીધા. આ બધું શક્ય બન્યું છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AIના ચમત્કારિક ઉપયોગને કારણે, જેણે સામાન્ય લોકો માટે ટેકનોલોજીના દરવાજા ખોલી દીધા છે.
ઇમર્જન્ટ ફાઉન્ડર મુકુંદ ઝાએ આ સમગ્ર ઘટના વિશે વાત કરતા જણાવ્યું કે હવે પછીની જનરેશનના સોફ્ટવેર એન્ટ્રપ્રેન્યોર્સ એવા હશે જેમણે ક્યારેય જીવનમાં કોડિંગની એક પણ લાઇન લખી નહીં હોય. અગાઉના સમયમાં એપ્લિકેશન કે સોફ્ટવેર બનાવવા માટે પ્રોગ્રામિંગ લેંગ્વેજનું ઊંડું જ્ઞાન હોવું અનિવાર્ય હતું, પરંતુ AI ટૂલ્સે આખી ગેમ જ બદલી નાખી છે. હવે તમારે માત્ર તમારી જરૂરિયાત કે આઈડિયા અંગ્રેજી કે અન્ય ભાષામાં કમાન્ડ તરીકે આપવાના રહે છે અને AI તમારા માટે આખું સોફ્ટવેર કે એપ તૈયાર કરી આપે છે.
આ નવા બદલાવથી માત્ર બિઝનેસમેન કે પ્રોફેશનલ્સ જ નહીં, પરંતુ ઘરનું કામ કરતા કે સામાન્ય વ્યવસાય સાથે જોડાયેલા લોકો પણ પોતાની સમસ્યાઓનો ટેકનિકલ ઉકેલ જાતે જ લાવતા થયા છે. આવનારા દિવસોમાં આ ટેકનોલોજી સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીમાં મોટો બદલાવ લાવશે અને કોઈપણ વ્યક્તિ પોતાના આઈડિયાને સીધા માર્કેટમાં મૂકી શકશે. મુકુંદ ઝાના મતે આ 'વાઈબ કોડિંગ' યુગની શરૂઆત છે, જ્યાં કોડિંગના જ્ઞાન વગર પણ ડિજિટલ દુનિયામાં ક્રાંતિ લાવી શકાય છે.
