આસામમાં બાળ લગ્ન જેવી સામાજિક બદીને ડામવા માટે સરકારે ફરી એકવાર મોટો સપાટો બોલાવ્યો છે. ગત વર્ષના આંકડાઓને વટાવીને રાજ્ય પોલીસે આ વખતે અત્યાર સુધીમાં 476 કેસ નોંધી લીધા છે અને 557 લોકોની ધરપકડ કરી લીધી છે. મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ સોશિયલ મીડિયા અને મીડિયા સમક્ષ આ લેટેસ્ટ આંકડા શેર કરતા જણાવ્યું છે કે સરકારની આ કડક કાર્યવાહીના કારણે હવે સ્થિતિમાં સુધારો પણ જોવા મળી રહ્યો છે અને આ મામલે પોલીસ કોઈને પણ છોડવાના મૂડમાં નથી.
આ વર્ષે નોંધાયેલા આંકડા પર નજર કરીએ તો 2024ની સરખામણીમાં આ વખતે 113 કેસ વધુ નોંધાયા છે અને 125 વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ 2024ની ડ્રાઈવમાં 363 કેસ નોંધાયા હતા અને 432 લોકો ઝડપાયા હતા. આસામ સરકારે વર્ષ 2023થી બાળ લગ્ન વિરુદ્ધ મોટા પાયે અભિયાન શરૂ કર્યું હતું, જેમાં અત્યાર સુધીમાં કુલ 12000થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે અને 11000થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. સરકારી અસેસમેન્ટ મુજબ આ કડકાઈને કારણે રાજ્યના 20 જિલ્લાના 1132 ગામોમાં બાળ લગ્નના કેસોમાં 81 ટકા જેટલો મોટો ઘટાડો નોંધાયો છે.
મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જ્યાં સુધી આસામમાંથી બાળ લગ્ન સંપૂર્ણપણે ખતમ નહીં થાય ત્યાં સુધી આ ડ્રાઈવ અટકવાની નથી અને આગામી દિવસોમાં હજુ પણ કેટલાક લોકોની ધરપકડ થઈ શકે છે. સરકારનું લક્ષ્ય દીકરીઓના સપનાઓને સુરक्षित રાખવાનું છે અને આ માટે તંત્ર દ્વારા સમયાંતરે આ પ્રકારના કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. પોલીસની આ સતત કાર્યવાહીના કારણે બાળ લગ્ન કરાવનારાઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.
