વડોદરાની ઐતિહાસિક મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી એટલે કે MSU હાલમાં શિક્ષણકાર્ય કરતાં વહીવટી નિર્ણયો અને વિવાદોને કારણે વધુ ચર્ચામાં છે. યુનિવર્સિટી તંત્ર પર છેલ્લા 2 વર્ષમાં આશરે 600 જેટલા બિનશૈક્ષણિક કર્મચારીઓની ભરતી કોન્ટ્રાક્ટ કે આઉટસોર્સિંગ પદ્ધતિથી કરી દેવાના ગંભીર આક્ષેપો થયા છે. પ્યુનથી લઈને ક્લાર્ક જેવી મહત્વની જગ્યાઓ પર કાયમી કર્મચારીઓની નિમણૂક કરવાના બદલે ખાનગી એજન્સીઓ દ્વારા ભરતી કરાતા, ધીમે ધીમે યુનિવર્સિટીનું ખાનગીકરણ થઈ રહ્યું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે અને કેમ્પસનું વાતાવરણ ગરમાયું છે.
એક તરફ યુનિવર્સિટી કેમ્પસમાં કાયમી કર્મચારીઓ અને વિવિધ યુનિયનો દ્વારા આ કોન્ટ્રાક્ટ પ્રથા સામે સતત વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે, તો બીજી તરફ સત્તાવાળાઓએ તમામ વિરોધને નજરઅંદાજ કરીને 'ઓમ એજન્સી' ને સત્તાવાર રીતે કોન્ટ્રાક્ટ આપી દીધો છે. પ્રાપ્ત આંકડાઓ મુજબ યુનિવર્સિટીમાં હાલની ભરેલી જગ્યાઓ ઉપરાંત આશરે 1200 જેટલી કાયમી ભરતીઓ હજુ પણ ખાલી પડી છે અને કરવાની બાકી છે. યુનિવર્સિટી સૂત્રોનું માનીએ તો, પૂર્વ VC ના વિવાદાસ્પદ સૂચનો અને આયોજનના આધારે જ આ કોન્ટ્રાક્ટ પદ્ધતિને મોટો વેગ આપવામાં આવ્યો છે.
યુનિવર્સિટી પ્રશાસન દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે જ્યાં સુધી નિયમાનુસાર સત્તાવાર કાયમી ભરતીની પ્રક્રિયા પૂર્ણ ન થાય, ત્યાં સુધી યુનિવર્સિટીનું દૈનિક કામકાજ અટકે નહીં તે માટે આઉટસોર્સિંગ પ્રથા અનિવાર્ય છે. જોકે તંત્રના આ નિર્ણયથી યુવા બેરોજગારો અને નોકરીની રાહ જોતા ઉમેદવારોમાં ભારે નિરાશા ફેલાઈ છે, તેમજ શિક્ષણ જગતમાં પારદર્શિતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આ મામલે આગામી દિવસોમાં કર્મચારી સંગઠનો દ્વારા વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.
