JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
JAMNAGAR

અમદાવાદમાં ૩.૬ લાખ કેસ પડતર, દેશમાં ચોથો નંબર જ્યારે સુરત ૮૦માં ક્રમે

Oct 29, 2026 | 09:30 | By JAMNAGAR MIRROR
અમદાવાદમાં ૩.૬ લાખ કેસ પડતર, દેશમાં ચોથો નંબર જ્યારે સુરત ૮૦માં ક્રમે
દેશની અદાલતોમાં કરોડો કેસોના ભરાવા વચ્ચે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી છે. અમદાવાદ ૩.૬ લાખ પડતર કેસો સાથે દેશભરમાં ચોથા નંબરે છે, જ્યારે સુરત ૮૦માં ક્રમે છે. આ પેન્ડન્સી ઘટાડવા માટે હવે જીએનએલયુ અને લો યુનિવર્સિટીઓ મેદાને ઉતરી છે અને વિલંબના અસલી કારણો શોધીને તેનો નિકાલ લાવશે.

દેશભરની અદાલતોમાં ન્યાય મેળવવા માટે ધક્કા ખાતા લોકોને હજુ પણ લાંબી રાહ જોવી પડી રહી છે કારણ કે સમગ્ર દેશમાં અત્યારે ૫.૮ કરોડથી વધુ કેસો પડતર બોજ હેઠળ દબાયેલા છે. કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ સૌથી વધુ કેસોનો ભાર ધરાવતા દેશના ટોચના ૧૦૦ હોટસ્પોટ ન્યાયિક જિલ્લાઓમાં ગુજરાતના બે મોટા શહેરો મોખરે છે. આ યાદીમાં અમદાવાદ આશરે ૩.૬ લાખ પડતર કેસો સાથે દેશભરમાં ચોથા સ્થાને છે, જ્યારે સુરત આશરે ૧.૩ લાખ કેસો સાથે ૮૦મા ક્રમે આવે છે. ખાસ વાત એ છે કે આ ટોચના પાંચ સૌથી વધુ પેન્ડન્સી ધરાવતા જિલ્લાઓમાં ઉત્તર પ્રદેશના ૩ તેમજ પશ્ચિમ બંગાળ અને ગુજરાતનો ૧-૧ જિલ્લો સામેલ છે, જે ચિંતાનો વિષય બન્યો છે.

આ ગંભીર સમસ્યાને ડામવા માટે કેન્દ્રીય કાયદા અને ન્યાય રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલની ઉપસ્થિતિમાં ૧૬ રાજ્યોની ૧૯ નેશનલ લો યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલરોની મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં નક્કી કરાયું કે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (જીએનએલયુ) દ્વારા અમદાવાદ અને સુરત જિલ્લા અદાલતો સાથે મળીને ખાસ સંશોધન આધારિત અભિયાન ચલાવવામાં આવશે. જીએનએલયુના ડાયરેક્ટર પ્રો. એસ. શાંથાકુમારના જણાવ્યા મુજબ યુનિવર્સિટીની ફેકલ્ટી અને વિદ્યાર્થીઓની ટીમ જમીની સ્તરે ઉતરીને કેસોના વિલંબના કારણો તપાસશે. ડેશબોર્ડના ડેટા મુજબ અમદાવાદના કુલ પડતર કેસોમાંથી આશરે ૫ ટકા કેસો તો ૧૦ વર્ષથી વધુ જૂના છે, જ્યારે ૧૦ ટકા કેસો ૫ થી ૧૦ વર્ષથી પેન્ડિંગ છે જેમાં ફોજદારી કેસોનું પ્રમાણ સૌથી વધુ છે.

અદાલતોમાં કેસ લાંબા ખેંચાવા પાછળ પક્ષકારો હાજર ન હોવા, દસ્તાવેજોનો અભાવ, વકીલો કે પ્રતિનિધિઓની ગેરહાજરી અથવા ટેકનિકલ મુશ્કેલીઓ જેવા અનેક વ્યવહારુ કારણો જવાબદાર હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ સમસ્યાના ઉકેલ માટે નિરર્થક કેસોની છટણી, કેસ પ્રોફાઇલિંગ, વૈકલ્પિક વિવાદ નિવારણ, મધ્યસ્થતા આધારિત સમાધાન અને સમરી ટ્રાયલ જેવી પદ્ધતિઓ અપનાવવાની દિશામાં વિચારણા ચાલી રહી છે. લો યુનિવર્સિટીના સંશોધકો અને પ્રો બોનો ક્લબના વિદ્યાર્થીઓ આ સમગ્ર પ્રોજેક્ટનું નેતૃત્વ કરીને પેન્ડન્સી ઘટાડવા માટે સરકારને સચોટ વ્યૂહરચના અને સૂચનો આપશે જેથી સામાન્ય નાગરિકોને ઝડપથી ન્યાય મળી શકે.

LATEST ARTICLES