અમદાવાદ શહેરમાં મેટ્રો ટ્રેન આજકાલ લોકો માટે લાઈફ લાઈન સમાન બની ગઈ છે અને રોજબરોજ મુસાફરોની સંખ્યા તેમજ આવકમાં જબરદસ્ત વધારો થઈ રહ્યો છે. ક્રિકેટ મેચ હોય કે મોટો કોન્સર્ટ, નાગરિકો અવર-જવર માટે મેટ્રોને પ્રાથમિકતા આપી રહ્યા છે, પરંતુ આટલી મોટી આવક છતાં તંત્રની એક શરમજનક નીતિ સામે આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા મેટ્રો સ્ટેશનોનો અંદાજે રૂપિયા 40 કરોડનો મિલકત વેરો હજી સુધી વસૂલી શકાયો નથી, જેને લઈને શહેરમાં ચર્ચાનો દોર શરૂ થયો છે કે સામાન્ય જનતા માટે કડક નિયમો અને મેટ્રો માટે છૂટછાટ કેમ આપવામાં આવી રહી છે.
બીજી બાજુ AMCના પ્રોપર્ટી ટેક્સ વિભાગની બેવડી નીતિ સામે આવી છે જેમાં સામાન્ય કરદાતાનો માત્ર 25 કે 50 હજાર રૂપિયા પણ વેરો બાકી હોય તો તેને નોટિસ આપ્યા વગર મિલકત સીલ કરવા સુધીની લાલ આંખ કરવામાં આવે છે. જ્યારે મેટ્રો સ્ટેશનોના કિસ્સામાં ટેક્સ વિભાગ દ્વારા પ્રોપર્ટીના વપરાશ માટે ફેક્ટર 7 લગાવવામાં આવતા મામલો કાનૂની પ્રક્રિયામાં અટવાઈ ગયો છે. AMC અને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા આ વિવાદમાં મેટ્રો સત્તાવાળાઓનું કહેવું છે કે મેટ્રો એ જાહેર પરિવહન અને કેન્દ્ર-રાજ્ય સરકારનો સંયુક્ત પ્રોજેક્ટ હોવાથી તેને ટેક્સમાં વિશેષ રાહત મળવી જોઈએ, જેને લઈને અગાઉ ગુજરાત હાઈકોર્ટે પણ કોર્પોરેશન તંત્રને ફટકાર લગાવીને નિયમ મુજબ યોગ્ય નિકાલ કરવાનો આદેશ આપ્યો હતો.
આર્થિક આંકડાઓની વાત કરીએ તો, સપ્ટેમ્બર 2026માં અમદાવાદ મેટ્રોએ 53.06 લાખ મુસાફરોની નોંધણી કરી હતી જે ઓગસ્ટ 2026ના રેકોર્ડબ્રેક 54.29 લાખ મુસાફરો પછી બીજા નંબરે સૌથી મોટો આંકડો છે અને તે મહિનામાં મેટ્રોને 6.81 કરોડની આવક થઈ હતી. એટલું જ નહીં, ઓક્ટોબર 2022થી સપ્ટેમ્બર 2026 સુધીના સમયગાળામાં મેટ્રોને કુલ 194.93 કરોડ રૂપિયાની માતબર આવક થવા પામી છે. આમ એક તરફ કરોડોની કમાણી કરતી મેટ્રો સેવા ધમધમી રહી છે ત્યારે બીજી તરફ કરોડોનો વેરો વસૂલવામાં થઈ રહેલો વિલંબ સામાન્ય જનતાના ગળે ઉતરી રહ્યો નથી અને આગામી દિવસોમાં તંત્ર આ મામલે શું પગલાં લે છે તે જોવું રહ્યું.
