રાજ્યમાં નશાકારક પદાર્થો અને ગેરકાયદે દવાઓનું વેચાણ ડામવા માટે પોલીસ સતત એક્શન મોડમાં છે, ત્યારે અમદાવાદ ગ્રામ્ય એન્ટી નાર્કોટિક્સ વિંગને મળેલી ચોક્કસ બાતમીના આધારે બગોદરા વિસ્તારમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ ટીમે બાવળા તાલુકાના કાણોતર ગામ ખાતે આવેલા એક રહેણાંક મકાનમાં અચાનક દરોડો પાડતા ગેરકાયદે નશાકારક સિરપનો વેપાર કરતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.
આ કાર્યવાહી દરમિયાન એન્ટી નાર્કોટિક્સ વિંગની ટીમ દ્વારા કાણોતર ગામે રહેતા અમૃત પ્રભુભાઈ રાઠોડના ઘરની સઘન તલાશી લેવામાં આવી હતી, જ્યાંથી પ્રતિબંધિત કફ સિરપની કુલ 600 બોટલો મળી આવી હતી. FSLના અધિકારીઓની હાજરીમાં આ જથ્થાની તપાસ કરતા તે NDPS એક્ટ હેઠળ પ્રતિબંધિત દાયરામાં આવતી હોવાનું સ્પષ્ટ થયું હતું. પોલીસે કફ સિરપની બોટલો અને 1 મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 1,28,800 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી આ જથ્થો ગેરકાયદેસર રીતે ઊંચા ભાવે વેચવાના હેતુથી ઘરમાં છુપાવીને બેઠો હતો.
બગોદરા પોલીસ સ્ટેશનમાં પકડાયેલા આરોપી અમૃત પ્રભુભાઈ રાઠોડ વિરુદ્ધ NDPS એક્ટની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને તેની ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ તો પોલીસે આરોપીને સળિયા પાછળ ધકેલી દીધો છે, પરંતુ આ ગેરકાયદે નેટવર્ક સાથે બીજા કોણ-કોણ સંકળાયેલા છે અને આ કફ સિરપનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે દિશામાં પોલીસ દ્વારા સઘન પૂછપરછ અને તપાસ હાથ ધરવામાં આવી છે.
