JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

જિયો પ્લેટફોર્મ્સનું શાનદાર ડેબ્યૂ, 21 ટકા પ્રીમિયમ સાથે શેરે બજારમાં ધમાકેદાર એન્ટ્રી કરી

Oct 28, 2026 | 11:30 | By JAMNAGAR MIRROR
જિયો પ્લેટફોર્મ્સનું શાનદાર ડેબ્યૂ, 21 ટકા પ્રીમિયમ સાથે શેરે બજારમાં ધમાકેદાર એન્ટ્રી કરી
જિયો પ્લેટફોર્મ્સના શેરનું રૂ.1,358ના ભાવે જોરદાર લિસ્ટિંગ થયું છે જે ઇશ્યૂ પ્રાઇસ કરતા 21 ટકા વધુ છે. આ મજબૂત શરૂઆત સાથે કંપની દેશની બીજી સૌથી મોટી માર્કેટ કેપ ધરાવતી કંપની બની ગઈ છે અને નિષ્ણાતો આગામી સમયમાં શેરનો ભાવ રૂ.1,800 સુધી જવાની શક્યતા સેવી રહ્યા છે.

શેરબજારમાં રોકાણકારો લાંબા સમયથી જેની રાહ જોઈ રહ્યા હતા તે જિયો પ્લેટફોર્મ્સનો આઈપીઓ હવે લિસ્ટ થઈ ગયો છે અને કંપનીએ શાનદાર શરૂઆત કરી છે. જિયો પ્લેટફોર્મ્સના શેરનું લિસ્ટિંગ રૂ.1,358ના ભાવે થયું છે, જે કંપનીના રૂ.1,119ના ઇશ્યૂ પ્રાઇસ કરતાં આશરે 21 ટકા વધારે છે. આ જોરદાર લિસ્ટિંગના જોરે જિયો પ્લેટફોર્મ્સ હવે રિલાયન્સ બાદ માર્કેટ કેપિટલાઇઝેશનના મામલે દેશની બીજી સૌથી મોટી કંપની બની ગઈ છે. હાલમાં કંપનીનું કુલ માર્કેટ કેપ વધીને રૂ.12.50 લાખ કરોડ થઈ ગયું છે, જ્યારે રૂ.15.99 લાખ કરોડના માર્કેટ કેપ સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ મોખરે છે અને રૂ.12.10 લાખ કરોડના માર્કેટ કેપ સાથે ભારતી એરટેલ ત્રીજા સ્થાને છે.

આ અગાઉ નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) પર 21થી 23 ઑક્ટોબર દરમિયાન ખુલેલો આ આઈપીઓ કુલ 22.19 ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો, જેમાં રોકાણકારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ આઈપીઓમાં સંસ્થાકીય રોકાણકારોનો હિસ્સો 70.55 ગણો, બિન-સંસ્થાકીય રોકાણકારોનો હિસ્સો 14 ગણો અને રિટેલ રોકાણકારોનો હિસ્સો 2.72 ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો. જોકે, શાનદાર લિસ્ટિંગ બાદ માર્કેટ નિષ્ણાતોએ સાવચેતી રાખવાની સલાહ આપી છે અને રોકાણકારોને લિસ્ટિંગના દિવસે ઉતાવળમાં ખરીદી ન કરવા જણાવ્યું છે કારણ કે શરૂઆતના તબક્કામાં શેરમાં ભારે ઉતાર-ચઢાવ અને પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે.

નિષ્ણાતોના મતે જો લિસ્ટિંગ બાદ શેરના ભાવમાં ઘટાડો આવે તો એકસાથે મોટી રકમ નાખવાને બદલે તબક્કાવાર ખરીદીનો વિકલ્પ અપનાવવો વધુ હિતાવહ રહેશે, જોકે કોઈપણ રોકાણ કરતા પહેલાં કંપનીના મૂલ્યાંકન અને પોતાના જોખમ લેવાની ક્ષમતા ચોક્કસ તપાસવી. બજારના જાણકારો માની રહ્યા છે કે આગામી સમયમાં આ શેરમાં વધુ તેજી જોવા મળી શકે છે અને ટૂંકા ગાળામાં શેરનો ભાવ રૂ.1,500થી રૂ.1,800 સુધી પહોંચવાની શક્યતા છે, જો કે આ બધું કંપનીના દેખાવ અને માર્કેટની સ્થિતિ પર નિર્ભર રહેશે.

LATEST ARTICLES