ભારતે આગામી મહિને યોજાનારી શાઘાઈ કોઓપોરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ) ની સિવિલાઇઝેશનલ ડાયલોગ ફોરમની ઉદ્ઘાટન બેઠક માટે પાકિસ્તાનને ખાસ આમંત્રણ મોકલ્યું છે. આ બેઠકનો મુખ્ય હેતુ એસસીઓ સભ્ય દેશો વચ્ચે સાંસ્કૃતિક સમજ અને લોકો વચ્ચેના સંબંધોને ગાઢ બનાવવાનો છે. ગત વર્ષે ચીનના તિયાંજિનમાં યોજાયેલી એસસીઓ સમિટ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી દ્વારા આ ડાયલોગ ફોરમની રજૂઆત કરવામાં આવી હતી. આ પહેલનો ઉદ્દેશ્ય યુરેશિયન જૂથમાં સાંસ્કૃતિક જોડાણને પ્રોત્સાહન આપવાનો છે, જે બંને દેશો વચ્ચેના તણાવ છતાં ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાન માટે એક માધ્યમ પૂરું પાડે છે.
આ આમંત્રણ હેઠળ પાકિસ્તાનના નેશનલ હેરિટેજ એન્ડ કલ્ચર મિનિસ્ટર ઔરંગઝેબ ખાન ખિચીને આ મીટિંગમાં હાજરી આપવા માટે કહેવામાં આવ્યું છે. હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સીધી વાતચીત બહુ ઓછી છે, પરંતુ એસસીઓ ની બેઠકો બંને દેશોના વરિષ્ઠ અધિકારીઓની મુલાકાતો માટે તકો પૂરી પાડતી રહી છે. અગાઉ 2023માં પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો એસસીઓ વિદેશ મંત્રીઓની બેઠક માટે ભારત આવ્યા હતા, જ્યારે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર પણ એસસીઓ વડાઓની બેઠકમાં ભાગ લેવા પાકિસ્તાન ગયા હતા. જો કે, આ અગાઉની મુલાકાતો દરમિયાન કોઈ દ્વિપક્ષીય વાતચીત થઈ ન હતી.
આ પહેલાં ભારતના એસસીઓ નેશનલ કોઓર્ડિનેટર અલોક ડિમરીએ પાકિસ્તાનની મુલાકાત લીધી હતી, જે પહલગામ ટેરર अटैच પછી બંને દેશો વચ્ચેનું પહેલું મોટું ઉચ્ચ સ્તરીય જોડાણ હતું. પાકિસ્તાન હાલમાં એસસીઓ ની પ્રેસિડેન્સી સંભાળી રહ્યું છે અને આગામી વર્ષે ઇસ્લામાબાદમાં હેડ્સ ઓફ સ્ટેટ સમિટનું આયોજન કરવાનો છે. હાલમાં પાકિસ્તાન દ્વારા આ આમંત્રણ પર કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી, પરંતુ આ મુલાકાતોથી બંને દેશો વચ્ચે લાંબા સમયથી સ્થગિત રાજદ્વારી સંબંધોમાં કોઈ નવો વળાંક આવશે કે નહીં તે તો સમય જ બતાવશે.
