દિલ્હીવાસીઓ શ્વાસમાં કેવા પ્રકારનું ઝેર લઈ રહ્યા છે તેનું હવે વૈજ્ઞાનિક અને સચોટ વિશ્લેષણ થઈ શકશે. રાષ્ટ્રીય રાજધાનીમાં વાયુ પ્રદૂષણના અસલી કારણો અને તેના સ્ત્રોતોને ઓળખવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક અત્યાધુનિક સંકલિત વાતાવરણીય રસાયણશાસ્ત્ર અને એરોસોલ ટોક્સિટી વિશ્લેષણ પ્રયોગશાળા શરૂ કરવામાં આવી છે. દેશના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવેલી આ નવીનતમ સુવિધા પ્રદૂષણ સામેની લડાઈમાં એક મોટું પગલું સાબિત થઈ રહી છે.
આ અતિ-આધુનિક પ્રયોગશાળા દ્વારા પ્રાપ્ત થયેલા વાસ્તવિક સમયના ડેટાએ દિલ્હીની હવાની ગુણવત્તા બગાડતા મુખ્ય પરિબળો પરથી પડદો ઉઠાવ્યો છે. તાજા અહેવાલ મુજબ, રાજધાનીમાં પીએમ ટુ પોઈન્ટ ફાઈવ એટલે કે અતિ સૂક્ષ્મ રજકણોથી ફેલાતા પ્રદૂષણમાં વાહનોનો સૌથી મોટો એટલે કે પચીસ ટકા જેટલો હિસ્સો છે. રસ્તાઓ પર દોડતા અસંખ્ય વાહનોમાંથી નીકળતો ધુમાડો હવામાં ભયજનક માત્રામાં ઝેર ફેલાવી રહ્યો છે, જે સામાન્ય નાગરિકોના ફેફસાં માટે અત્યંત જોખમી સાબિત થઈ રહ્યો છે.
વાહનોના ધુમાડા ઉપરાંત સેકન્ડરી ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક એરોસોલ જેવા જટિલ તત્વો પણ દિલ્હીના પ્રદૂષણ સ્તરને વધારવામાં મોટો ભાગ ભજવી રહ્યા છે. આ લેબોરેટરી માત્ર પ્રદૂષણના સ્ત્રોતોને શોધી જ નથી રહી, પરંતુ તેની ઝેરી અસરોનું પણ ગહન આંકલન કરી રહી છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ ચોક્કસ માહિતીના આધારે આગામી સમયમાં પ્રદૂષણ નિયંત્રણ માટે વધુ મજબૂત અને અસરકારક રણનીતિ ઘડી શકાશે, જેથી જનતાને શુદ્ધ હવા મળી શકે.
