કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા કે સી વેણુગોપાલે પશ્ચિમ બંગાળમાં થયેલી એક ગંભીર ઘટના અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજ્યના મુખ્ય પ્રધાનને એક પત્ર લખીને તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. આ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે પશ્ચિમ બંગાળના પશ્ચિમ મેદિનીપુર જિલ્લાના પાટલાપુર ગામમાં દુર્ગા પૂજાના પવિત્ર તહેવાર દરમિયાન ત્રણ નિર્દોષ ખ્રિસ્તી પરિવારો પર ક્રૂર હુમલો કરવામાં આવ્યો હતો. આ પરિવારોને જાહેરમાં અપમાનિત કરવામાં આવ્યા હતા અને તેમનું બળજબરીપૂર્વક ધર્મપરિવર્તન કરાવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું, જે અત્યંત ચિંતાજનક અને નિંદનીય બાબત છે.
આ ઘટના અંગે વધુ માહિતી આપતા કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું છે કે ધાર્મિક સ્વતંત્રતા અને લઘુમતીઓની સુરક્ષા પર સીધો હુમલો છે. તહેવારોના માહોલમાં લઘુમતી સમુદાયના લોકોને નિશાન બનાવીને તેમના પર અત્યાચાર ગુજારવામાં આવ્યા છે, જેના કારણે સ્થાનિક વિસ્તારમાં ભય અને અસુરક્ષાનું વાતાવરણ ફેલાઈ ગયું છે. પીડિત પરિવારોને ભારે માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે, છતાં સ્થાનિક પ્રશાસન દ્વારા સમયસર યોગ્ય પગલાં લેવામાં આવ્યા ન હોવાનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.
આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પક્ષે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પાસે સત્વરે કડક કાર્યવાહીની માંગ કરી છે. પત્રમાં સ્પષ્ટપણે વિનંતી કરવામાં આવી છે કે આ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને દોષિતો સામે કાયદાકીય તેમજ દાખલારૂપ દંડાત્મક પગલાં લેવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી અસામાજિક અને સાંપ્રદાયિક ઘટનાઓનું પુનરાવર્તન ન થાય. દેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને દરેક નાગરિક પોતાની આસ્થા મુજબ સુરક્ષિત વાતાવરણમાં જીવી શકે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી વહીવટી તંત્રની છે.
