JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

સંભવિત કટોકટી અને સાયબર હુમલા સામે સજ્જ રહેવા બ્રિટન સરકારનું 'બી રેડી' અભિયાન શરૂ

Oct 24, 2026 | 23:12 | By JAMNAGAR MIRROR
સંભવિત કટોકટી અને સાયબર હુમલા સામે સજ્જ રહેવા બ્રિટન સરકારનું 'બી રેડી' અભિયાન શરૂ

વૈશ્વિક સ્તરે વધી રહેલા જોખમો અને સંભવિત કટોકટીની સ્થિતિને ધ્યાનમાં રાખીને બ્રિટિશ સરકારે નાગરિકો માટે એક વિશેષ જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન અંતર્ગત દેશના નાગરિકોને કોઈપણ કુદરતી આપત્તિ અથવા સાયબર હુમલા જેવા સંજોગોમાં પૂર્વ તૈયારી સાથે સજ્જ રહેવા ખાસ અપીલ કરવામાં આવી છે. હાલમાં તોફાની વાતાવરણ અને ટેકનોલોજીના યુગમાં સંભવિત સાયબર હુમલાના કારણે ઇન્ટરનેટ સેવાઓ કે વીજ પુરવઠો ઠપ્પ થવાની શક્યતાઓને જોતાં આ પગલું અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા આ અભિયાન હેઠળ દરેક પરિવારે પોતાના ઘરમાં ઓછામાં ઓછું ત્રણ દિવસ સુધી પૂરતી માત્રામાં ટકી શકે તેટલો આવશ્યક સામાન અગાઉથી જ સંગ્રહિત કરીને રાખવાની સલાહ આપવામાં આવી છે. આ કટોકટી કિટમાં પીવાનું પાણી, લાંબા સમય સુધી સંગ્રહી શકાય તેવી ખાદ્ય સામગ્રી, પ્રાથમિક સારવાર માટેની દવાઓ, ટોર્ચ, વધારાની બેટરી, ચાર્જ કરેલી પાવર બેન્ક અને ગરમ કપડાં કે ધાબળા જેવી ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઘરમાં રહેલા નાના બાળકો, વૃદ્ધો તેમજ પાળેલા પ્રાણીઓની વિશેષ જરૂરિયાતોનું પણ પૂરતું ધ્યાન રાખવા માટે ખાસ તાકીદ કરવામાં આવી છે.

કટોકટીના કપરા સમયમાં સરકારી રાહત અને મદદ પહોંચવામાં થોડો વિલંબ થઈ શકે છે, તેથી નાગરિકોએ પરસ્પર સહયોગની ભાવના કેળવીને પડોશીઓની સંભાળ રાખવા પર પણ ભાર મૂક્યો છે. આ સાથે જ નાગરિકોને પોતાના મહત્ત્વના ઓળખપત્રો અને જરૂરી દસ્તાવેજોની નકલો સુરક્ષિત રાખવાની સલાહ અપાઈ છે. આ પ્રકારની આગોતરી તૈયારીઓથી કોઈપણ અણધારી આપત્તિના સમયે જાનમાલનું નુકસાન અટકાવી શકાય છે અને મુશ્કેલ પરિસ્થિતિનો મક્કમતાથી સામનો કરી શકાય છે.

LATEST ARTICLES