ગુજરાતના હજીરા ખાતે ભારતીય નૌકાદળની પાણીની અંદરની ક્ષમતાઓને વધુ મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સર કરવામાં આવ્યું છે. સ્વદેશી એર-ઇન્ડિપેન્ડન્ટ પ્રોપલ્શન એટલે કે એઆઈપી પ્રણાલીના વિકાસમાં એક નવો અધ્યાય જોડતા 'સેટિંગ ટુ વર્ક ફેઝ-૨' પ્રવૃત્તિનો આરંભ કરવામાં આવ્યો છે. આ મહત્વપૂર્ણ કદમથી પરંપરાગત ડીઝલ-ઇલેક્ટ્રિક સબમરીનની પાણીની અંદર લાંબો સમય સુધી ટકી રહેવાની અને ગુપ્ત રીતે ઓપરેશન પાર પાડવાની ક્ષમતામાં ધરખમ વધારો થશે.
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય પાવર ઉત્પાદન માટે એઆઈપી મોડ્યુલને ઊર્જાવાન બનાવવાનો છે. હજીરા ખાતે યોજાયેલા આ કાર્યક્રમ બાદ, આ ઉર્જા મોડ્યુલને સબમરીનમાં સ્થાપિત કરતા પહેલા તેની કાર્યક્ષમતા અને મજબૂતાઈ ચકાસવા માટે કઠિન અને સઘન પરીક્ષણોમાંથી પસાર કરવામાં આવશે. આ પ્રક્રિયા સફળ થયા બાદ, આગામી વર્ષ ૨૦૨૭ સુધીમાં ભારતીય નૌકાદળની અત્યાધુનિક કલવારી-શ્રેણીની સબમરીનમાં આ સ્વદેશી પ્રણાલીને સફળતાપૂર્વક જોડવામાં આવશે.
આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ સંરક્ષણ ક્ષેત્રમાં સ્વદેશી ટેકનોલોજીનો આ વિકાસ દેશની સુરક્ષા વ્યવસ્થાને વૈશ્વિક સ્તરે વધુ અગ્રેસર બનાવશે. દુશ્મનની નજરથી બચીને પાણીની અંદર લાંબો સમય વિતાવી શકવાની આ ક્ષમતાથી દરિયાઈ સીમાઓની સુરક્ષા વધુ અભેદ્ય બનશે. નૌકાદળની આ સિદ્ધિથી દેશની દરિયાઈ તાકાતમાં મોટો વધારો થશે અને સંરક્ષણ ક્ષેત્રમાં વિદેશી નિર્ભરતા ઘટશે.
