અમેરિકાના મિનેસોટા રાજ્યમાંથી ચૂંટાઈ આવેલા વિવાદિત મહિલા સાંસદ ઇલ્હાન ઓમર સામેની કાનૂની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. તાજેતરમાં સામે આવેલા ફેડરલ કોર્ટના દસ્તાવેજો અને ન્યાય વિભાગની તપાસના અહેવાલો મુજબ, ઇલ્હાન ઓમર તેનું અસલી નામ છુપાવી રહી હોવાના ગંભીર આરોપો ફરીથી સપાટી પર આવ્યા છે. એક અદાલતી કાર્યવાહી દરમિયાન દાખલ કરવામાં આવેલી ફાઇલિંગમાં તેમનું પૂરું નામ 'ઇલ્હાન નૂર સાઇડ એલ્મી' તરીકે દર્શાવવામાં આવ્યું છે, જેના કારણે અમેરિકન રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
આ નવા ખુલાસાથી વર્ષો જૂના તે ગંભીર આરોપોને વધુ મજબૂતી મળી છે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ મહિલા નેતાએ યુનાઇટેડ સ્ટેટ્સમાં નાગરિકતા અને ઇમીગ્રેશનનો લાભ મેળવવા માટે કથિત રીતે પોતાના જ સગા ભાઈ અહેમદ નૂર સાઇડ એલ્મી સાથે લગ્ન કર્યા હતા. અગાઉ પણ તેમના લગ્ન જીવન અને કૌટુંબિક સંબંધોને લઈને અનેક સવાલો ઉઠ્યા હતા, પરંતુ તાજેતરના અદાલતી દસ્તાવેજો અને તપાસે આ મામલાને નવો જ મોડ આપ્યો છે. પ્રતિષ્ઠિત અખબારો અને તપાસ એજન્સીઓ દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલા નવા લગ્ન પ્રમાણપત્રો અને અન્ય કાગળોમાં તેમની અંગત ઓળખને લઈને ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
આ મામલામાં માત્ર ઇલ્હાન ઓમર જ નહીં, પરંતુ સોમાલિયાના તાનાશાહી શાસનમાં તેમના પૂર્વ પતિની ભૂમિકા અને બ્રિટનમાં રહેતી તેમની કથિત બહેન લેઇલા સાથેના સંબંધોની પણ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. ન્યાય વિભાગની આ સઘન તપાસ અને નવા પુરાવાઓ સામે આવ્યા બાદ અમેરિકી સંસદમાં પણ આ મુદ્દો ગરમાયો છે. વિપક્ષી નેતાઓ અને જનતા દ્વારા આ સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ અને કડક તપાસની માંગણી કરવામાં આવી રહી છે, જે આગામી સમયમાં ઇલ્હાન ઓમરના રાજકીય ભવિષ્ય માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે.
