નવી દિલ્હી ખાતે દેશના નાણા મંત્રીની અધ્યક્ષતામાં મળેલી નાણાકીય સ્થિરતા અને વિકાસ પરિષદની મહત્વપૂર્ણ બેઠકમાં વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ અને બદલાતા પ્રવાહો પર ગહન ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં વધતા જતા ભૂ-રાજકીય તણાવ, વૈશ્વિક બોન્ડની બદલાતી સ્થિતિ અને કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પ્રસારને કારણે ઊભા થનારા સંભવિત પડકારો સામે સતર્ક રહેવાની ખાસ જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. સમિતિએ દેશના મેક્રો-ફાઇનાન્સિયલ ધોરણોને મજબૂત રાખવા અને આર્થિક સ્થિરતા સામે ઊભા થતા જોખમોને નાથવા માટે અગાઉથી જ સક્રિય પગલાં લેવાની હિમાયત કરી હતી.
વર્તમાન સમયમાં વૈશ્વિક સ્તરે પ્રર્વતતી અનિશ્ચિતતાઓને ધ્યાનમાં રાખીને નાણાકીય ક્ષેત્રે પરસ્પર નિયમનકારી સંકલનને વધુ મજબૂત કરવા માટે સહમતિ સધાઈ હતી. આ બેઠકમાં ઘરેલુ રોકાણના વાતાવરણને પ્રોત્સાહન આપવા, મૂડી પ્રવાહને વધુ સરળ બનાવવા અને નાણાકીય ક્ષેત્રના સુધારાઓને વેગ આપવાના મુદ્દાઓ પર સવિસ્તર વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત, બદલાતા સમય સાથે નાણાકીય ક્ષેત્રની સાયબર સુરક્ષા અને ડિજિટલ મજબૂતાઈ વધારવા માટે ઘડવામાં આવેલી વિશેષ વ્યૂહરચનાની પણ સમીક્ષા કરવામાં આવી હતી, જેથી દેશની મહત્વપૂર્ણ માહિતી અને પ્રણાલીઓનું સુરક્ષા કવચ વધુ અભેદ્ય બનાવી શકાય.
બેઠકમાં ફિનટેક ક્ષેત્રમાં નવાવિષ્કારને પ્રોત્સાહન આપવા અને નાણાકીય અસ્કાયતોના ટોકનાઈઝેશન સંબંધિત સંભાવનાઓ ચકાસવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. આ સાથે જ નાણાકીય લેણદેણને વધુ સરળ બનાવવા માટે ગ્રાહક ઓળખ પ્રક્રિયાનું સરળીકરણ અને ડિજિટાઈઝેશન કરવાના મુદ્દાઓને આવરી લેવાયા હતા. વિદેશી રોકાણકારો અને બિનનિવાસી ભારતીયો માટે ડિજિટલ ઓનબોર્ડિંગ પ્રક્રિયાને વધુ વેગ આપવા તથા બજેટની જાહેરાતોને અસરકારક રીતે અમલમાં મૂકવાની રણનીતિ પર પણ ચર્ચા કરવામાં આવી હતી, જે દેશના આર્થિક વિકાસને નવી દિશા પૂરી પાડશે.
