જેરુસલેમમાં સર્જાયેલી તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ ચરમસીમાએ પહોંચ્યો છે. મળતી માહિતી મુજબ, અમેરિકા આગામી સપ્તાહના અંતમાં જ ઈરાન વિરુદ્ધ મોટું સૈન્ય પગલું ભરી શકે છે અને સનસનાટીભર્યા હવાઈ કે સૈન્ય હુમલાને અંજામ આપી શકે છે. તુર્કીમાં અમેરિકાના રાજદૂત અને વરિષ્ઠ અધિકારી ટોમ બૈરેકે એક ઇન્ટરવ્યુમાં સ્પષ્ટ સંકેત આપ્યા છે કે વર્તમાન પરિસ્થિતિ જોતાં આ સપ્તાહના અંત સુધીમાં હુમલો થવાની પૂરી શક્યતા રહેલી છે. આ નિવેદનને કારણે વૈશ્વિક રાજકારણમાં ભારે હલચલ મચી ગઈ છે અને મધ્ય પૂર્વમાં યુદ્ધના વાદળો ઘેરાયા છે.
બીજી બાજુ, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સાથેની વાતચીત અને વાટાઘાટોના દરવાજા હજુ પણ ખુલ્લા રાખી રહ્યા છે તેમ રાજદૂતે ઉમેર્યું હતું. છેલ્લા ઘણા મહિનાઓથી રાજદ્વારી સ્તરે ચર્ચા ચાલી રહી છે અને પ્રમુખ ટ્રમ્પ કોઈપણ સમજૂતી માટે તૈયાર હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. જો કે, રાજદ્વારી મડાગાંઠ વચ્ચે અમેરિકા દ્વારા ફરીથી હુમલાઓ શરૂ કરવાના સંકેતોથી પરિસ્થિતિ વધુ વણસી છે. આ ગતિરોધ વચ્ચે ઈરાન દ્વારા પણ આકરાં પાણીએ ચેતવણીઓ ઉચ્ચારવામાં આવી છે, જેના કારણે બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પણ ઈરાન સામે આક્રમક વલણ અપનાવ્યું છે અને નિર્ણાયક કાર્યવાહીની હિમાયત કરી છે. તાજેતરના સમયમાં થયેલા બોમ્બમારાના અભિયાનો પછી ઈઝરાયેલનું આ વલણ ઘણું સૂચક માનવામાં આવે છે. આગામી ચૂંટણીના માહોલ વચ્ચે ઈઝરાયેલના નેતૃત્વ દ્વારા ઈરાની શાસન સામે કડક પગલાં લેવાની માગ સતત કરવામાં આવી રહી છે. વૈશ્વિક શાંતિ માટે અત્યંત સંવેદનશીલ બનેલા આ સમયમાં આંતરરાષ્ટ્રીય સમુદાયની નજર અમેરિકા અને ઈરાનના આગામી પગલાં પર સ્થિર થઈ છે.
