બર્લિન ખાતે યોજાયેલી ભારત અને જર્મની વચ્ચેની બિઝનેસ ગોળમેજી પરિષદ દરમિયાન કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીએ ભારતની આર્થિક નીતિઓ અંગે મહત્વપૂર્ણ ખુલાસા કર્યા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે દેશમાં ગુણવત્તાના ધોરણો અને પર્યાવરણના રક્ષણના મામલે સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની ઢીલ મૂકવામાં આવશે નહીં. આ કોઈ લાલફીતાશાહી કે બિનજરૂરી વિલંબ નથી, પરંતુ દેશના ઉજ્જવળ ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે અપનાવાયેલો એક અત્યંત સાવચેતીભર્યો અભિગમ છે. પર્યાવરણને નુકસાન પહોંચાડતી બાબતો પર સરકારી સ્તરે કડકાઈ જળવાઈ રહેશે જેથી દીર્ધકાલીન ફાયદો મળી શકે.
વૈશ્વિક સ્તરે ચર્ચામાં રહેલા યુરોપિયન યુનિયનના કાર્બન બોર્ડર એડજસ્ટેમેન્ટ મિકેનિઝમ અંગે વાત કરતા તેમણે ઉમેર્યું હતું કે ભારતીય અર્થવ્યવસ્થા પર તેની કોઈ નકારાત્મક અસર નહીં થાય. ભારત પોતાની અર્થવ્યવસ્થાનું ઝડપથી કાર્બનમુક્ત એટલે કે ડિ કાર્બોનાઇઝેશન કરી રહ્યું છે, જેના કારણે દેશને વૈશ્વિક સ્તરે હરીફાઈમાં મોટો ફાયદો મળશે. યુરોપિયન દેશો સાથે પ્રસ્તાવિત મુક્ત વેપાર કરારના માધ્યમથી ભારતમાં મોટા પ્રમાણમાં રોજગારીની નવી તકોનું સર્જન થવાની અપાર સંભાવનાઓ રહેલી છે. યુરોપની અત્યાધુનિક ટેકનોલોજી અને ભારતનું વિશાળ ઉત્પાદન કદ મળીને એક અજેય જોડી સાબિત થશે.
વિવિધ વૈશ્વિક કંપનીઓના મુખ્ય કાર્યકારી અધિકારીઓ સાથેની બેઠક અંગે સંતોષ વ્યક્ત કરતા મંત્રીએ જણાવ્યું કે રોકાણકારોમાં ભારતીય બજાર પ્રત્યે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વાહન નિર્માણ, ઓટોમોબાઈલ ઘટકો, ફાર્માસ્યુટિકલ્સ, ટેક્સટાઈલ અને સંશોધન ક્ષેત્રે વિદેશી કંપનીઓ મોટા પાયે રોકાણ કરવા ઈચ્છુક છે. આ ઉપરાંત એરોસ્પેસ, સંરક્ષણ અને શિપબિલ્ડિંગ જેવા નવા ક્ષેત્રોમાં પણ ભારતનું પ્રભુત્વ વધી રહ્યું છે. નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને વૈશ્વિક પ્રમાણપત્રો મેળવવા માટે સરકારી સહાય પૂરી પાડવામાં આવશે જેથી તેઓ આંતરરાષ્ટ્રીય બજારમાં સરળતાથી સ્પર્ધા કરી શકે.
