JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

અમેરિકી સાંસદ ઇલ્હાન ઓમરની નાણાકીય બાબતો અને નાગરિકતા વિવાદે પકડ્યું જોર

Oct 23, 2026 | 23:50 | By JAMNAGAR MIRROR
અમેરિકી સાંસદ ઇલ્હાન ઓમરની નાણાકીય બાબતો અને નાગરિકતા વિવાદે પકડ્યું જોર

અમેરિકાના રાજકારણમાં હાલમાં ડેમોક્રેટિક પક્ષના લોકપ્રિય અને વિવાદિત સાંસદ ઇલ્હાન ઓમર સામે ગંભીર સવાલો ઉભા થયા છે. ફેડરલ એજન્સીઓ દ્વારા તાજેતરમાં તેમના વોશિંગ્ટન સ્થિત નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા બાદ તેઓ ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. સોમાલિયાથી શરણાર્થી તરીકે અમેરિકા આવેલાં ઇલ્હાન ઓમરની નાગરિકતાની કાયદેસરતા અંગે પણ હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. વહીવટી તંત્ર દ્વારા તેમની દાયકાઓ જૂની નાગરિકતાના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે, જેથી ભવિષ્યમાં તેમની નાગરિકતા રદ થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ વિવાદ વચ્ચે તેમની સંપત્તિ અને નાણાકીય ઘોષણાપત્રને લઈને પણ મોટો ખુલાસો થયો છે. અગાઉ તેમના નાણાકીય પત્રોમાં તેમની કુલ સંપત્તિ ત્રણ કરોડ ડૉલર સુધીની હોવાનું દર્શાવવામાં આવ્યું હતું, જેના કારણે ભારે હોબાળો મચ્યો હતો. જો કે, બાદમાં સાંસદે આને દસ્તાવેજી ભૂલ ગણાવીને સુધારો કર્યો હતો અને પોતાની વાસ્તવિક સંપત્તિ અઠ્ઠાવીસ હજારથી પંચાનવું હજાર ડૉલરની વચ્ચે હોવાનો દાવો કર્યો હતો. સાંસદ તરીકે વાર્ષિક એક લાખ ચોપ્યોતેર હજાર ડૉલરનો પગાર મેળવતા હોવા છતાં, તેઓ સામાન્ય નાગરિકની જેમ જીવન જીવતા હોવાનું અને માત્ર પગાર પર નિર્ભર હોવાનું જણાવી રહ્યા છે.

પોતાના નિવાસસ્થાને થયેલી તપાસ અને સરનામું સાર્વજનિક થઈ જવાના કારણે સુરક્ષાના જોખમો વધ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું છે. જીવના જોખમ અને સતત મળી રહેલી ધમકીઓના કારણે તેઓ હવે આ ઘર ખાલી કરીને અન્યત્ર ખસી જવાની યોજના બનાવી રહ્યા છે. બીજી તરફ, તેમના પર થઈ રહેલી તમામ કાર્યવાહી રાજકીય બદલાની ભાવનાથી પ્રેરાયેલી હોવાનો બચાવ સાંસદ દ્વારા કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલો આગામી દિવસોમાં અમેરિકી રાજકારણમાં વધુ ગરમાવો લાવે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

LATEST ARTICLES