JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

પશ્ચિમ એશિયામાં વધતો તણાવ: ઈરાનની અમેરિકાને ગંભીર ચેતવણી, હુમલો થશે તો સમુદ્ર નીચેલા ઇન્ટરનેટ કેબલ ઉડાવી દઈશું

Oct 23, 2026 | 23:50 | By JAMNAGAR MIRROR
પશ્ચિમ એશિયામાં વધતો તણાવ: ઈરાનની અમેરિકાને ગંભીર ચેતવણી, હુમલો થશે તો સમુદ્ર નીચેલા ઇન્ટરનેટ કેબલ ઉડાવી દઈશું

પશ્ચિમ એશિયામાં સતત વધી રહેલા તણાવ અને અમેરિકા તથા ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના અહેવાલો વચ્ચે એક અત્યંત ચોંકાવનારી ચેતવણી સામે આવી છે. ઈરાને સ્પષ્ટ શબ્દોમાં અમેરિકાને ચેતવણી આપી છે કે જો તેના પર કોઈપણ પ્રકારનો સૈન્ય હુમલો કરવામાં આવશે, તો આ વખતે ખાડી દેશોમાં દરિયાની નીચે પથરાયેલી અત્યંત મહત્વપૂર્ણ સંચાર કેબલ્સને નિશાન બનાવવામાં આવશે. ઈરાની અધિકારીઓના જણાવ્યા અનુસાર, જો નવો સંઘર્ષ શરૂ થશે અને કૂટનીતિ નિષ્ફળ જશે, તો સમુદ્રના તળિયે બિછાવેલી ઇન્ટરનેટ કેબલ્સને ઉડાવી દેવામાં આવશે અને તેને લાંબા સમય સુધી સુધારવા પણ દેવામાં આવશે નહીં, જેનાથી વૈશ્વિક સ્તરે ઇન્ટરનેટ સેવાઓ ગંભીર રીતે પ્રભાવિત થઈ શકે છે.

વિશ્વભરમાં ઇન્ટરનેટ ટ્રાફિકનો મોટો હિસ્સો આ દરિયાઈ કેબલના માધ્યમથી જ સંચાલિત થતો હોય છે, ત્યારે ઈરાન દ્વારા આપવામાં આવેલી આ ધમકીથી વૈશ્વિક સ્તરે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ અગાઉ પણ ઈરાનના ઉચ્ચ સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું કે જો કોઈ નવો હુમલો થશે તો ખાડી ક્ષેત્રમાં આવેલા અમેરિકા સાથે સંકળાયેલા ડિજિટલ માળખાકીય એકમો, ડેટા સેન્ટર્સ અને કૃત્રિમ બુદ્ધિમત્તા કેન્દ્રોને પણ સચોટ નિશાન બનાવવામાં આવશે. ખાડી દેશોમાં અનેક અગ્રણી વિદેશી કંપનીઓ દ્વારા મોટું રોકાણ કરવામાં આવ્યું છે, જેના કારણે આ ચેતવણીથી આર્થિક અને તકનીકી ક્ષેત્રે પણ મોટું જોખમ ઉભું થઈ શકે છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે આ ઘટનાક્રમ બાદ સુરક્ષા એજન્સીઓ અને રાજકીય સમીક્ષકોની નજર પશ્ચિમ એશિયાની સ્થિતિ પર વિશેષરૂપેી ટકેલી છે. એક તરફ જ્યાં કૂટમાર્ગો દ્વારા શાંતિ સ્થાપવાના પ્રયાસો ચાલી રહ્યા છે, તો બીજી તરફ આ પ્રકારની કઠોર ચેતવણીઓ યુદ્ધના વાદળોને વધુ ઘેરા બનાવી રહી છે. નિષ્ણાતોના મતે, જો આ પરિસ્થિતિ વધુ વણસશે તો તેના દુષ્પરિણામો માત્ર પ્રાદેશિક સ્તરે નહીં પરંતુ વૈશ્વિક અર્થતંત્ર અને ડિજિટલ સંચાર વ્યવસ્થા પર પણ ભારે પડશે, જેથી આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા આ મામલે અત્યંત સાવચેતીપૂર્વક પગલાં લેવાની આવશ્યકતા વર્તાઈ રહી છે.

LATEST ARTICLES