સસેક્સના ડચેસ મેઘન માર્કલના પિતા થોમસ માર્કલ સિનિયર સામે અત્યંત ગંભીર અને ચોંકાવનારા આક્ષેપો સામે આવ્યા છે. તેમના પુત્ર થોમસ માર્કલ જુનિયરે દાવો કર્યો છે કે તેમનાિતાના જૂના ઘરમાંથી બાળકોના જાતીય શોષણ સાથે જોડાયેલી સેંકડો અને હજારો તસવીરો મળી આવી છે. આ ચોંકાવનારી માહિતી સામે આવ્યા બાદ સમગ્ર પરિવારમાં હડકંપ મચી ગયો છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, થોમસ માર્કલ સિનિયરે આ તમામ આક્ષેપોને સદંતર ફગાવી દીધા છે અને તેને માત્ર જૂઠ્ઠાણા ગણાવ્યા છે.
આ ગંભીર મામલે પ્રતિક્રિયા આપતા મેઘન માર્ક્લે ઊંડી વેદના વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે આ સમાચાર જાણીને તેમને ભારે આઘાત લાગ્યો છે અને તેમનું સમગ્ર ધ્યાન સંભવિત પીડિત બાળકોની સુરક્ષા પર કેન્દ્રિત છે. મેઘને ખુલાસો કર્યો હતો કે વર્ષ ૨૦૧૮માં તેમના લગ્ન સમયે જ સત્તાવાળાઓ દ્વારા તેમને આ બાબતની જાણ કરવામાં આવી હતી અને તે સમયે આ મામલે તપાસની ખાતરી પણ આપવામાં આવી હતી. પિતા સાથેના લાંબા સમયથી બગડેલા સંબંધો અને અંતર વિશે સ્પષ્ટતા કરતા તેમણે કહ્યું કે પોતાના બાળકોની સુરક્ષા ખાતર જ તેમણે પિતાથી દૂર રહેવાનો નિર્ણય કર્યો હતો.
થોમસ માર્કલ જુનિયરના જણાવ્યા અનુસાર, તેમણે પિતાના સામાનની તપાસ કરતી વખતે આ આપત્તિજનક સામગ્રી જોઈ હતી અને તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે સ્પષ્ટ કર્યું છે કે પિતા સાથેના તમામ સંબંધો હવે કાયમ માટે તોડી નાખવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોમસ માર્કલ સિનિયર અમેરિકાના જાણીતા ટેલિવિઝન લાઈટિંગ ડિરેક્ટર રહી ચૂક્યા છે અને અગાઉ પણ અનેક વિવાદોને કારણે તેમની પુત્રી સાથેના સંબંધોમાં તિરાડ પડી ચૂકી છે. આ નવા ખુલાસાથી પિતા અને પુત્રી વચ્ચેના સંબંધોમાં કડવાશ વધુ ગાઢ બની છે.
