JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
આરોગ્ય

ઓફિસની ખુરશી પર બેસતી વખતે પગ જમીન પર રાખવા કેમ જરૂરી છે? જાણો સ્વાસ્થ્યવર્ધક ફાયદા

Oct 23, 2026 | 11:46 | By JAMNAGAR MIRROR
ઓફિસની ખુરશી પર બેસતી વખતે પગ જમીન પર રાખવા કેમ જરૂરી છે? જાણો સ્વાસ્થ્યવર્ધક ફાયદા

આજના ભાગદોડ ભરેલા યુગમાં મોટાભાગના લોકોનો આખો દિવસ ઓફિસમાં કમ્પ્યુટર સામે બેસીને પસાર થાય છે. લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસીને કામ કરવાથી શરીરમાં જકડન, કમરનો દુખાવો અને થાક જેવી અનેક સમસ્યાઓ ઘર કરી જાય છે. આવી સ્થિતિમાં ટેબલ અને કમ્પ્યુટર સ્ક્રીનની સ્થિતિની સાથે-સાથે ખુરશી પર બેસતી વખતે પગની સ્થિતિ પણ અત્યંત મહત્ત્વપૂર્ણ સાબિત થાય છે. યોગ્ય રીતે બેસવા માટે હંમેશાં બંને પગ જમીન પર સપાટ હોવા જોઈએ અને ઘૂંટણ કમરની સમાન ઊંચાઈએ અથવા થોડા નીચે રહેવા જોઈએ. જો ખુરશીની ઊંચાઈ વધુ હોવાને કારણે પગ જમીન સુધી ન પહોંચતા હોય, તો પગ નીચે ફૂટરેસ્ટનો અવશ્ય ઉપયોગ કરવો જોઈએ.

ઓફિસની ખુરશી પર બેસતી વખતે પગ જમીન પર સપાટ રાખવાથી શરીરને પૂરતી સ્થિરતા મળે છે અને શરીરના વજનનું યોગ્ય વિતરણ થાય છે. જો પગ હવામાં લટકતા રહે તો શરીરનું સંતુલન બગડે છે અને અસ્વસ્થતા વધી જાય છે. આ ઉપરાંત, કરોડરજ્જુ અને પીઠને યોગ્ય ટેકો ન મળે તો વ્યક્તિ આગળ ઝૂકીને બેસવા લાગે છે, જેના કારણે કમર અને પીઠના ભાગમાં ભારે દુખાવો થવાની શક્યતાઓ વધી જાય છે. એટલું જ નહીં, જો ખુરશીની સીટ અયોગ્ય હોય તો પગમાં રક્ત પરિભ્રમણ પર પણ માઠી અસર પડે છે. પગને જમીન પર સપાટ રાખવાથી અને ઘૂંટણની પાછળના ભાગ પર વધારે દબાણ ન આવે તેની કાળજી રાખવાથી સ્નાયુઓનો થાક ઘટે છે અને શરીરને આરામ મળે છે.

સ્વાસ્થ્યની દૃષ્ટિએ માત્ર યોગ્ય મુદ્રામાં બેસવું પૂરતું નથી, પરંતુ લાંબા સમય સુધી સતત બેસી રહેવાની આદત બદલવી પણ અનિવાર્ય છે. નિયમિત અંતરે ખુરશી પરથી ઊભા થઈને થોડું ચાલવું શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. ખુરશી અને ટેબલની ઊંચાઈ ગોઠવતી વખતે માત્ર ટેબલને ન જુઓ, પરંતુ પગ, ઘૂંટણ, કમર અને પીઠની સ્થિતિનું પણ ખાસ ધ્યાન રાખો. પગને ક્યારેય હવામાં લટકતા ન છોડો અને પીઠને હંમેશાં ખુરશીના બેકરેસ્ટનો યોગ્ય ટેકો આપો. આ નાની-નાની બાબતોનું પાલન કરીને લાંબા ગાળે અનેક પ્રકારની શારીરિક વ્યાધિઓથી બચી શકાય છે અને દૈનિક કાર્યક્ષમતામાં પણ મોટો સુધારો કરી શકાય છે.

LATEST ARTICLES