જામનગર મિરર બ્યુરો.
દેશમાં વધી રહેલા સાયબર અપરાધો અને ઓનલાઇન છેતરપિંડીની ઘટનાઓ પર લગામ કસવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવા નિયમ અનુસાર આવનારી પહેલી જાન્યુઆરીથી લોકપ્રિય મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપ અને ટેલિગ્રામના ઉપયોગ માટે કડક જોગવાઈઓ લાગુ કરવામાં આવશે. ટેલિકોમ વિભાગ દ્વારા તમામ મેસેજિંગ પ્લેટફોર્મને આદેશ આપવામાં આવ્યો છે કે તેમણે નિર્ધારિત તારીખ પહેલાં સિમ બાઈન્ડિંગ એટલે કે સિમ કાર્ડની અનિવાર્ય જોડણીના નિયમોનું પાલન કરવાનું રહેશે. સરકારના આ પગલાનો મુખ્ય હેતુ ભારતીય મોબાઇલ નંબરના દુરુપયોગને અટકાવવાનો અને ડિજિટલ સુરક્ષાને વધુ મજબૂત કરવાનો છે.
પ્રાપ્ત વિગતો મુજબ આ નવા નિયમો અમલમાં આવ્યા બાદ જે વપરાશકર્તાઓ પોતાના ફોનમાં રજીસ્ટર થયેલું સિમ કાર્ડ રાખ્યા વિના જ મેસેજિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે તેમને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને જે લોકો સેકેન્ડરી કે બીજા ફોનમાં વોટ્સએપ ચલાવે છે, માત્ર વાઇફાઇના ભરોસે રહે છે અથવા તો એકવાર એકાઉન્ટ બનાવ્યા બાદ સિમ કાર્ડ કાઢી નાખે છે તેવા તમામ યુઝર્સ પ્રભાવિત થઈ શકે છે. જો એપ્લિકેશન સમયાંતરે સક્રિય સિમ કાર્ડ સાથે નંબરની ચકાસણી નહીં કરી શકે, તો તે ખાતા પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે અથવા તો સેવા કામ કરવાનું બંધ કરી શકે છે. જો કે, ઈલેક્ટ્રોનિક સિમ એટલે કે ઇ-સિમનો ઉપયોગ કરનારા નાગરિકો માટે જો તેમનો ડિજિટલ નંબર સક્રિય હશે તો કોઈ વાંધો આવશે નહીં.
આ કડક પગલું એટલા માટે લેવામાં આવ્યું છે કારણ કે અગાઉ ઠગો દ્વારા ભારતીય નંબરોનો ઉપયોગ કરીને વિદેશમાંથી નકલી એકાઉન્ટ ચલાવવામાં આવતા હતા અને નિર્દોષ નાગરિકોને શિકાર બનાવવામાં આવતા હતા. હવે નવા નિયમો લાગુ થવાથી ગુનેગારો માટે નકલી ઓળખ ઊભી કરવી અત્યંત મુશ્કેલ બનશે. આ તબક્કે તમામ નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ પોતાના ખાતા સાથે જોડાયેલા મોબાઇલ નંબરને હંમેશાં સક્રિય રાખે અને સરકાર તથા સંબંધિત એપ્લિકેશન દ્વારા સમયાંતરે બહાર પાડવામાં આવતી સત્તાવાર સૂચનાઓ પર નજર રાખે જેથી ભવિષ્યમાં કોઈપણ પ્રકારની અગવડતાથી બચી શકાય.
