JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

સીએનજી ગેસના ભાવમાં ભડાકો, પ્રતિ કિલો ચાર રૂપિયાથી વધુનો તોતિંગ વધારો ઝીંકાયો

Oct 23, 2026 | 07:35 | By JAMNAGAR MIRROR
સીએનજી ગેસના ભાવમાં ભડાકો, પ્રતિ કિલો ચાર રૂપિયાથી વધુનો તોતિંગ વધારો ઝીંકાયો

એક તરફ પેટ્રોલ અને ડિઝલના ભાવો હાલ પૂરતા સ્થિર રહ્યા છે, ત્યારે બીજી તરફ સામાન્ય જનતાના વાહનોનું બજેટ ગરમાવતો એક મોટો સમાચાર સામે આવ્યો છે. અદાણી ગેસ લિમિટેડ દ્વારા સીએનજી ગેસના ભાવમાં સીધો અને તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. એક જ દિવસમાં ગેસના ભાવોમાં ચાર રૂપિયા કરતાં પણ વધુનો વધારો ઝીંકવામાં આવતા રોજિંદા વાહનચાલકો અને નોકરિયાત વર્ગમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ અચાનક થયેલા ભાવવધારાને કારણે વાહનવ્યવહારના ખર્ચમાં મોટો ઉછાળો આવશે તે નક્કી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, અદાણીના સીએનજી ગેસના ભાવમાં પ્રતિ કિલોગ્રામ ચાર રૂપિયા ચાલીસ પૈસાથી વધુનો વધારો નોંધાયો છે. આ ભાવવધારા બાદ હવે ગ્રાહકોને એક કિલો સીએનજી ગેસ માટે ચોરાણું રૂપિયા બે પૈસાના બદલે અઠ્ઠાનવું રૂપિયા સડતાલીસ પૈસા ચૂકવવા પડશે. ઉલ્લેખનીય છે કે અગાઉ ગત પહેલી ઓગસ્ટના રોજ પણ કંપની દ્વારા સીએનજીના ભાવોમાં ચાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આમ, માત્ર અઢી મહિના જેટલા ટૂંકા સમયગાળામાં જ કંપનીએ ગેસના ભાવોમાં કુલ મળીને આઠ રૂપિયાથી વધુનો તોતિંગ વધારો કરી દીધો છે.

ટૂંકા ગાળામાં જ વારંવાર થયેલા આ ભાવવધારાને કારણે સામાન્ય નાગરિકોના માસિક બજેટ પર ભારે આર્થિક બોજ પડી રહ્યો છે. મોંઘવારીના આ સમયમાં સીએનજી સંચાલિત ઓટોરિક્ષા ચાલકો, ટેક્સી ડ્રાઇવરો અને ખાનગી વાહનમાલિકો મુશ્કેલીમાં મુકાયા છે. ગેસના ભાવોમાં સતત થઈ રહેલા આ વધારાને કારણે મુસાફરી ભાડાં તેમજ અન્ય ચીજવસ્તુઓના પરિવહન ખર્ચ પર પણ સીધી અસર પડવાની પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે, જેનાથી આગામી દિવસોમાં મોંઘવારી વધુ વધવાની દહેશત વ્યક્ત થઈ રહી છે.

LATEST ARTICLES