વિશ્વની સૌથી મોટી રિફાઇનરીના નગર તરીકે ખ્યાતિ પામેલા જામનગરમાં એક અત્યંત મહત્ત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના વડા મુકેશ અંબાણી અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણીએ જામનગર ખાતે અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો તેમજ ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ ઉચ્ચસ્તરીય મુલાકાત દરમિયાન મહેમાનોને વિશાળ રિફાઇનરી સંકુલની મુલાકાત કરાવવામાં આવી હતી, જ્યાં તેમને આ સંકુલની અદ્યતન ટેકનોલોજી અને કાર્યપદ્ધતિનો પ્રત્યક્ષ અનુભવ સાંપડ્યો હતો. અંબાણી પરિવાર દ્વારા મહેમાનોને રિલાયન્સના ભવિષ્યના પ્રોજેક્ટ્સની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ મુલાકાત દરમિયાન મહાનુભાવોને રિલાયન્સની ન્યૂ એનર્જી ગીગા-ફેક્ટરીઓ અને નિર્માણાધીન ડેટા સેન્ટરોની કામગીરીથી માહિતગાર કરવામાં આવ્યા હતા. મુકેશ અંબાણી અને અનંત અંબાણીએ જામનગર સંકુલના વિકાસ માટેના લાંબા ગાળાના વિઝનની રૂપરેખા રજૂ કરી હતી. આ બેઠકમાં વૈશ્વિક ઊર્જા ક્ષેત્રની સ્થિતિ, પરંપરાગત તેમજ નવી ઊર્જાના ક્ષેત્રે વાણિજ્યિક ભાગીદારી વધારવાની અપાર સંભાવનાઓ પર વ્યાપક ચર્ચા કરવામાં આવી હતી. વિશ્વસનીય અને કિફાયતી ઊર્જા પુરવઠો સુનિશ્ચિત કરવો, ટેકનોલોજી ક્ષેત્રે પ્રગતિ સાધવી અને મજબૂત પુરવઠા શૃંખલાનું નિર્માણ કરવા જેવા મહત્ત્વના મુદ્દાઓ પર બંને પક્ષો વચ્ચે સકારાત્મક વિચારોનું આદાનપ્રદાન થયું હતું.
આ ચર્ચાઓમાં ઊર્જા અને ડિજિટલ માળખાના વધતા જતા સહસંબંધ પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. વધતા જતા ડિજિટલ અર્થતંત્ર અને ડેટા સેન્ટરોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે વિશ્વસનીય ઊર્જાની અનિવાર્ય ભૂમિકા અંગે ચર્ચા કરાઈ હતી. મુકેશ અંબાણી અને અનંત અંબાણીએ અમેરિકી કંપનીઓ સાથે ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને અદ્યતન ઉત્પાદન ક્ષેત્રે સહયોગ વધારવાની પોતાની કલ્પના રજૂ કરી હતી. આ બેઠકથી ઉદ્યોગ જગતના દ્રષ્ટિકોણનું આદાનપ્રદાન થવાની સાથે પરસ્પર વ્યાપારી હિતના ક્ષેત્રોમાં આગળ વધવાની નવી દિશાઓ ખૂલી છે, જે ભવિષ્યમાં ભારત અને અમેરિકા વચ્ચેના આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવામાં સીમાચિહ્નરૂપ સાબિત થશે.
