JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

અમરેલીમાં કાળમુખી માલગાડીની ટક્કરે વનરાજ ઈજાગ્રસ્ત, રેલવે ટ્રેક પરથી સિંહનું કપાયેલું પૂંછડું મળ્યું

Oct 22, 2026 | 13:20 | By JAMNAGAR MIRROR
અમરેલીમાં કાળમુખી માલગાડીની ટક્કરે વનરાજ ઈજાગ્રસ્ત, રેલવે ટ્રેક પરથી સિંહનું કપાયેલું પૂંછડું મળ્યું

અમરેલી જિલ્લાના લીલીયા અને દામનગર વચ્ચે વહેલી સવારે એક અત્યંત ચિંતાજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, રેલવે ટ્રેક પરથી પસાર થઈ રહેલા ગુજરાતના ગૌરવ સમાન એક એશિયાટીક સિંહને પીપાવાવ પોર્ટથી ઢસા તરફ જઈ રહેલી એક માલગાડીએ જોરદાર ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માત સર્જાતાં જ લોકકો ટ્રેનને ઘટનાસ્થળ પર જ ઊભી રાખી દીધી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે રેલવે ટ્રેક પરથી સિંહનું કપાયેલું પૂંછડું તેમજ સિંહના શરીરના વાળ અને રૂંછડા મોટા પ્રમાણમાં મળી આવ્યા હતા, જેનાથી સ્પષ્ટ થાય છે કે વનરાજ ગંભીર રીતે ઘાયલ થયો છે.

આ દુર્ઘટનાની જાણ થતાની સાથે જ વન વિભાગનો ઉચ્ચ અધિકારીઓનો કાફલો અને કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ટ્રેનની જોરદાર ટક્કર વાગ્યા બાદ ગભરાઈ ગયેલો આ ઈજાગ્રસ્ત સિંહ આસપાસના સીમ વિસ્તાર કે ઘટાદાર ઝાડી-ઝાંખરામાં છુપાઈ ગયો હોવાની પ્રબળ સંભાવના છે. આશંકાને ધ્યાનમાં રાખીને વન વિભાગની જુદી જુદી ટીમો દ્વારા સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જોકે, અકસ્માત થયાને કલાકો વીતી જવા છતાં હજુ સુધી ઈજાગ્રસ્ત વનરાજનો કોઈ પત્તો લાગ્યો નથી, જેથી તેને વહેલી તકે તબીબી સારવાર મળી શકે તે માટે શોધખોળ વધુ તેજ કરવામાં આવી છે.

આ ગંભીર ઘટનાને પગલે પ્રકૃતિ અને વન્યજીવ પ્રેમીઓમાં તંત્ર સામે ભારે રોષ અને આક્રોશ ફેલાઈ ગયો છે. જે સંવેદનશીલ વિસ્તારમાં આ અકસ્માત સર્જાયો ત્યાં સિંહોની અવરજવર પર સતત નજર રાખવા માટે તૈનાત કરવામાં આવતા ટ્રેક મિત્રો અથવા રેલવે સેવકો ઘટનાસ્થળે હાજર ન હોવાનું પણ સામે આવ્યું છે. સુરક્ષાકર્મીઓની આવી ગંભીર બેદરકારી અને ગેરહાજરીના કારણે જ આ નિર્દોષ વન્યજીવ અકસ્માતનો ભોગ બન્યો હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. વન્યજીવોના રક્ષણ માટે રેલવે ટ્રેક પર ઝડપ મર્યાદાનું પાલન અને સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.

LATEST ARTICLES