જામનગર મિરર બ્યુરો
સાયબર ઠગાઈના નવા અને ચોંકાવનારા કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, જેમાં હવે સાયબર અપરાધીઓ દ્વારા લગ્નની કંકોત્રીના નામે મોબાઈલ ફોનમાં ખતરનાક એપ્લિકેશન ફાઈલ મોકલીને લોકોના બેંક ખાતા ખાલી કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ રાજકોટમાં બનેલી એક ઘટનામાં કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલા એક વેપારીએ લગ્નની કંકોત્રીની ફાઈલ ખોલતા જ તેમના બેંક ખાતામાંથી પાંચ લાખ ચોર્યાસી હજાર રૂપિયા ઉપડી ગયા હોવાની ગંભીર બાબત સામે આવી છે. આ બનાવને પગલે સ્થાનિક વેપારી વર્ગ અને નાગરિકોમાં ભારે ચિંતા ફેલાઈ ગઈ છે.
મૂળ પ્રાપ્ત વિગતો અનુસાર, કનાલ રોડ પર હાથીખાના વિસ્તારમાં રહેતા અને જમીન મકાન તથા બાંધકામનો વ્યવસાય કરતા મનીષભાઈ મુળજીભાઈ ઢોલરીયા પર તેમના જ એક મિત્રના મોબાઈલ નંબરથી લગ્નના નિમંત્રણ દર્શાવતી એક ફાઈલ આવી હતી. જ્યારે તેમણે આ ફાઈલ ખોલી ત્યારે તેમાં માત્ર અસંખ્ય કોડિંગના આંકડા જોવા મળ્યા હતા, જેથી તેમણે તુરંત જ તે ફાઈલ બંધ કરીને મોબાઈલમાંથી ડિલીટ કરી નાખી હતી. પરંતુ થોડા દિવસો બાદ તેમના બેંક ખાતામાંથી અલગ અલગ વ્યવહારો દ્વારા પાંચ લાખ ચોર્યાસી હજાર રૂપિયા ઉપડી ગયા હોવાના મેસેજ મોબાઈલ પર આવ્યા હતા. આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે જે મિત્રના નંબરથી આ ફાઈલ આવી હતી, તે મિત્રનો ફોન અગાઉ જ હેક થઈ ગયો હતો અને તેમના સંપર્ક સૂચિમાં રહેલા તમામ નંબરો પર આ જોખમી ફાઈલ આપમેળે મોકલાઈ ગઈ હતી.
આવા જ અન્ય એક બનાৱમાં પડધરીની કંપનીમાં નોકરી કરતા એક ઇલેક્ટ્રિકલ ઇજનેર યુવકના મોબાઈલને પણ નિશાન બનાવીને રાત્રીના સમયે અજાણ્યા હેકર્સો દ્વારા તેમના બેંક ખાતામાંથી એક લાખ અડસઠ હજારથી વધુ રકમ બારોબાર તબદીલ કરી લેવામાં આવી હતી. યુવકે આ ઘટના બનતાની સાથે જ ત્વરિત સાયબર હેલ્પલાઈન નંબર પર ફોન કરીને પોતાની ફરિયાદ નોંધાવી હતી. આ બંને બનાવ સંદર્ભે સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ગુનો નોંધીને આગળની સઘન તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા વારંવાર નાગરિકોને ચેતવણી આપવામાં આવે છે કે કોઈ પણ અજાણ્યા નંબર પરથી આવતી શંકાસ્પદ ફાઇલો કે લિંકને ક્યારેય ખોલવી નહીં, જેથી આર્થિક નુકસાનથી બચી શકાય.
