JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

દ્વારકામાં બાવન કરોડના ખર્ચે સાકાર થશે ભવ્ય શ્રીકૃષ્ણ સંગ્રહાલય, નવ થીમ આધારિત ગેલેરીઓથી સજ્જ થશે નગરી

Oct 22, 2026 | 10:45 | By JAMNAGAR MIRROR
દ્વારકામાં બાવન કરોડના ખર્ચે સાકાર થશે ભવ્ય શ્રીકૃષ્ણ સંગ્રહાલય, નવ થીમ આધારિત ગેલેરીઓથી સજ્જ થશે નગરી

ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરા વિશ્વભરમાં આગવી ઓળખ ધરાવે છે. આ સાંસ્કૃતિક ધરોહર માત્ર આપણા ભવ્ય ઇતિહાસનું ગૌરવ જ નથી, પરંતુ ભાવિ પેઢીઓ માટે પ્રેરણાનો મુખ્ય સ્ત્રોત પણ છે. આ અમૂલ્ય વારસાને જાળવીને તેને આધુનિક અભિગમ સાથે નવી પેઢી સુધી પહોંચાડવાના હેતુથી ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ અને પવિત્ર નગરી દ્વારકામાં એક અત્યાધુનિક શ્રીકૃષ્ણ સંગ્રહાલયનું ભવ્ય નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ચાર ધામ પૈકીના એક એવા પવિત્ર ધામમાં આકાર પામી રહેલો આ મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પ આધ્યાત્મિકતા અને આધુનિકતાના અનોખા સમન્વયનું કેન્દ્ર બનવા જઈ રહ્યો છે, જે રાજ્ય સરકારનો એક મોટો સાંસ્કૃતિક ઉપક્રમ છે.

દ્વારકાધીશ મંદિરથી નજીકના અંતરે બાસણું કરોડ રૂપિયાથી વધુના જંગી ખર્ચે વિકસાવવામાં આવી રહેલા આ સંગ્રહાલયનો મુખ્ય ઉદ્દેશ ભગવાન શ્રીકૃષ્ણના જીવનચરિત્ર, તેમની દિવ્ય લીલાઓ અને શ્રીમદ્ ભગવદ્ ગીતાના શાશ્વત સંદેશને એક જ સ્થળે સુવ્યવસ્થિત રીતે રજૂ કરવાનો છે. અહીં પરંપરાગત સંગ્રહાલયની કલ્પનાથી આગળ વધીને મુલાકાતીઓ માટે વિશેષ નવ થીમ આધારિત ગેલેરીઓનું નિર્માણ થઈ રહ્યું છે. આ ગેલેરીઓમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મથી લઈને બાળલીલાઓ, ગોકુલ-વૃંદાવનના પ્રસંગો, ગોવર્ધન પર્વત લીલા, કાળિયા નાગ મર્દન, મથુરા ગમન, કંસવધ, સુવર્ણનગરી દ્વારકાની સ્થાપના તેમજ મહાભારતકાળની નિર્ણાયક ભૂમિકાને અત્યંત આકર્ષક રીતે દર્શાવવામાં આવશે.

આ પ્રકલ્પને વધુ જીવંત અને પ્રભાવશાળી બનાવવા માટે અદ્યતન ડિજિટલ અને ઇમર્સિવ ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે. સંગ્રહાલયમાં ઓડિયો-વિઝ્યુઅલ પ્રસ્તુતિઓ, ડિજિટલ ડિસ્પ્લે, ત્રિપરિમાણીય પ્રોજેક્શન મેપિંગ અને મોશન સેન્સર આધારિત વિશેષ અનુભવો પૂરા પાડવામાં આવશે. આ ઉપરાંત સંગ્રહાલય પરિસરમાં કમળ તળાવ, સુંદર લેન્ડસ્કેપ વિસ્તાર, પ્રકાશ અને અવાજનો વિશેષ શો તેમજ એમ્ફિથિયેટર જેવી આધુનિક સુવિધાઓ પણ વિકસાવવામાં આવી રહી છે, જેથી આવનાર પ્રવાસીઓ જ્ઞાનની સાથે મનોરંજક શૈક્ષણિક અનુભવ પ્રાપ્ત કરી શકે.

વિશ્વભરમાંથી દ્વારકા આવતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે આ સંગ્રહાલય ધાર્મિક દર્શનની સાથેસાથે સાંસ્કૃતિક અભ્યાસ અને ઇતિહાસની સમજનું અદ્ભુત કેન્દ્ર બનશે. આ મહત્ત્વપૂર્ણ પ્રકલ્પના માધ્યમથી સ્થાનિક સ્તરે પ્રવાસનને વેગ મળશે તેમજ પરિવહન, હસ્તકલા, વેપાર અને આતિથ્ય ક્ષેત્ર સાથે જોડાયેલા સ્થાનિક લોકોને રોજગારીની નવી તકો પ્રાપ્ત થશે. આ સંગ્રહાલય ભારતની પ્રાચીન આધ્યાત્મિક પરંપરા અને આધુનિક વિકાસ વચ્ચેના સેતુ સમાન બનીને દ્વારકાની વૈશ્વિક ઓળખમાં વધુ એક ગૌરવવંતુ અશ ઉમેરશે.

LATEST ARTICLES