અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો હાલમાં ભારતની સત્તાવાર મુલાકાતે આવ્યા છે, અને આ પ્રવાસ દરમિયાન તેઓ પશ્ચિમ ભારતના ઐતિહાસિક તટીય શહેર એવા ગુજરાતના જામનગરની મુલાકાત લઈ રહ્યા છે. જામનગરમાં આવેલ વિશ્વની સૌથી મોટી ઓઈલ રિફાઈનિંગ સુવિધા ખાતે તેઓ અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની અગ્રણી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે મુલાકાત કરશે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ઊર્જા ક્ષેત્રે પરસ્પર સહયોગ વધારવાનો અને વેનેઝુએલાના કાચા તેલની પ્રોસેસિંગ અંગે વિશેષ ચર્ચાઓ કરવાનો છે. અગાઉ મુંબઈમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે ભારતને રિફાઇનિંગ ક્ષેત્રનું મહાસામ્રાજ્ય ગણાવ્યું હતું અને વૈશ્વિક અર્થતંત્રને સ્થિર રાખવામાં ભારતના યોગદાનની પ્રશંસા કરી હતી.
આ ઉચ્ચસ્તરીય મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે અમેરિકા વૈશ્વિક સ્તરે વેનેઝુએલાના ક્રુડ ઓઈલ માટે નવા બજારો શોધી રહ્યું છે. વેનેઝુએલામાં કાચા તેલનું ઉત્પાદન વધવાની સાથે ભારત વૈશ્વિક તેલ પુરવઠાને સંતુલિત રાખવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે, કારણ કે ભારત પાસે ભારે કાચા તેલને શુદ્ધ કરવાની અદ્ભુત ક્ષમતા મોજૂદ છે. આ બેઠકથી ભારત અને અમેરિકા વચ્ચે ઊર્જા રોકાણ અને સુરક્ષા ક્ષેત્રના સંબંધો વધુ મજબૂત બનશે. વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં ઇરાન અને યમન સાથેના સંઘર્ષો તેમજ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગો પરના તણાવને કારણે ઊર્જા સુરક્ષાની ચિંતાઓ વધી છે, ત્યારે જામનગર જેવી વિશાળ સંસ્થા વૈશ્વિક સ્તરે સંકટ સમયે મોટો સહારો બની શકે છે.
ઉલ્લેખનીય છે કે જામનગર સ્થિત આ રિફાઈનરીમાં દરરોજ આશરે ચોદ લાખ બેરલ કાચું તેલ પ્રોસેસ કરવાની ક્ષમતા રહેલી છે. આ અત્યાધુનિક સંકુલમાં કાચા તેલમાંથી પેટ્રોલ અને ડિઝલ ઉપરાંત પેટ્રોકેમિકલ ઉત્પાદનો પણ તૈયાર થાય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે જામનગર હવે માત્ર ઉદ્યોગ જગતમાં જ નહીં પરંતુ વૈશ્વિક અર્થતંત્ર અને ઊર્જા ક્ષેત્રે પણ એક આગવી ઓળખ ધરાવે છે. બંને દેશો વચ્ચેની આ ભાગીદારીથી આગામી સમયમાં વૈશ્વિક ઊર્જા બજારને નવી દિશા મળશે અને આર્થિક સંબંધો વધુ ગાઢ બનશે તેવી પૂરી સંભાવના છે.
