મહેમદાવાદ નગરપાલિકામાં શાસક પક્ષના જ પ્રમુખ સામે ઊઠેલા બળવાના સુરનો અંત આવ્યો છે. નગરપાલિકાના પ્રમુખ પ્રશાંત પટેલ સામે ભારતીય જનતા પક્ષના જ દસ જેટલા બળવાખોર સભ્યોએ બગાવત કરીને અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી, જેના કારણે સ્થાનિક રાજકારણમાં મોટો ભૂકંપ સર્જાયો હતો. પ્રમુખની કામગીરી અને અહંકારી વલણથી નારાજ થઈને સભ્યોએ લેખિતમાં ચીફ ઓફિસરને દરખાસ્ત સોંપી હતી, જેથી પ્રમુખની ખુરશી જોખમમાં મુકાઈ ગઈ હતી અને પક્ષની આંતરિક ખટપટ ખુલ્લી પડી ગઈ હતી.
પાલિકામાં કુલ સાત વોર્ડ અને અઠ્ઠાવીસ સભ્યો છે, જેમાં સત્તાધારી પક્ષની સ્પષ્ટ બહુમતી હોવા છતાં પોતાના જ સભ્યો દ્વારા વિરોધ નોંધાવાતા રાજકીય ગરમાવો આવી ગયો હતો. નવરાત્રિના તહેવારો પૂર્ણ થતાં જ પક્ષના મોવડી મંડળ અને સંગઠને આ મામલાને ગંભીરતાથી લઈને સક્રિય મધ્યસ્થતા કરી હતી. સત્તા ગુમાવવાનો ડર અને પક્ષની છબી ખરડાવાની દહેશતને કારણે ઉચ્ચ નેતાઓએ હાઈડ્રામા બેઠક યોજી હતી. આ બેઠકમાં નારાજ સભ્યોને વિવિધ પ્રકારના આશ્વાસનો આપીને મનાવી લેવામાં આવ્યા હતા અને અંતે અવિશ્વાસની દરખાસ્ત પાછી ખેંચવામાં સફળતા મળી હતી.
આ સમજૂતી અને સેટીંગના કારણે હાલ પૂરતો વિવાદ શાંત પડી ગયો છે અને પ્રમુખ પ્રશાંત પટેલને મોટી રાહત મળી છે. જો કે, ઉપરછલ્લા મેળાપ બાદ પણ પ્રમુખ અને નારાજ સભ્યો વચ્ચે ભવિષ્યમાં કેવું સંકલન રહેશે અને વહીવટમાં એકતા જળવાઈ રહેશે કે કેમ તે અંગે નગરજનોમાં અનેક પ્રકારની ચર્ચાઓ અને તર્ક-વિતર્કો ચાલી રહ્યા છે. હાલના તબક્કે સંગઠને આંતરિક વિવાદ પર પડદો પાડી દીધો છે, પરંતુ આગામી સમયમાં આ શાંતિ ક્યાં સુધી ટકે છે તે તો સમય જ બતાવશે.
