મહેમદાવાદ નગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા આંતરિક વિવાદ અને નારાજગીને દૂર કરવા માટે સ્થાનિક ધારાસભ્ય દ્વારા ભારે મથામણ કરવામાં આવી છે. પાલિકાના નારાજ સભ્યોને મનાવી લેવા માટે વિવિધ પ્રયાસો કરવામાં આવ્યા હોવાની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. કદાચ પ્રદેશ સ્તરેથી પણ કડક વલણ અપનાવવામાં આવ્યું હોય અને સત્તાવાર રીતે બધું સમસૂતરું ચાલી રહ્યું છે તેવું ચિત્ર ઊભું કરવા માટે આદેશો આપવામાં આવ્યા હોય તેવી શક્યતાઓ પણ રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહી છે. આ તમામ ઘટનાક્રમ બાદ આખરે તમામ સભ્યોને એક મંચ પર લાવવામાં સફળતા મળી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
બધા સભ્યોને એકસાથે ભેગા કરીને એક ભવ્ય ફોટોસેશન પણ યોજવામાં આવ્યું હતું, જેનો મુખ્ય હેતુ શહેરીજનો અને ઉચ્ચ નેતૃત્વ સમક્ષ એવો સંદેશ આપવાનો હતો કે પાલિકા પરિવારમાં હવે કોઈ જ મતભેદ કે નારાજગી નથી અને બધું જ ઉત્તમ પ્રકારે ચાલી રહ્યું છે. જો કે, રાજનીતિની આ ચાલ ભલે સપાટી પર સફળ દેખાતી હોય, પરંતુ વાસ્તવિકતા છૂપી રહી શકી નથી. કહેવત છે કે દર્પણ ક્યારેય જૂઠું બોલતું નથી અને આ કિસ્સામાં કેમેરામાં કેદ થયેલી તસવીર પણ સત્ય છાપવામાં નિષ્ફળ રહી નથી.
આ વાયરલ થયેલી તસવીરમાં ધારાસભ્યની સાથે ઊભેલા નારાજ સભ્યોના ચહેરાના હાવભાવ ઘણું બધું કહી જાય છે. એક પણ સભ્યના ચહેરા પર સામાન્ય સ્મિત કે ખુશી જોવા મળતી નથી, જે સ્પષ્ટ દર્શાવે છે કે મનમેળ હજી સુધી સચમારો થયો નથી. સબ સલામત હોવાનો દાવો ભલે ગમે તેટલો કરવામાં આવ્યો હોય, પરંતુ સભ્યોના આ ખામોશ અને ગંભીર ચહેરાઓએ અંદરખાને રહેલી નારાજગીને છતી કરી દીધી છે. આ સ્થિતિ સ્પષ્ટ કરે છે કે માત્ર દેખાડાના ફોટોસેશનથી આંતરિક અસંતોષ દૂર થતો નથી અને આગામી દિવસોમાં આ વિવાદ ફરી સપાટી પર આવી શકે છે.
