ઉત્તર ગુજરાતના પાટણ તાલુકામાં આવેલા ચડાસણા ગામમાંથી એક પ્રેરણાદાયી અને અનોખી ધર્મસેનાનું ઉદાહરણ સામે આવ્યું છે. ગામના એક સેવાભાવી પરિવારના મોભી સ્વર્ગસ્થ કમશીભાઈ મોહનભાઈ દેસાઈની ઈચ્છા હતી કે તેમના અવસાન બાદ તેમની સમગ્ર મિલકત જનહિત અને ધાર્મિક સત્કાર્યો પાછળ ઉપયોગમાં લેવામાં આવે. પતિની આ અંતિમ ઈચ્છાને સર્વોપરી ગણીને તેમના ધર્મપત્ની ગંગાબેન કમશીભાઈ દેસાઈએ માનવતા અને જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગંગાબેન દ્વારા રબારી સમાજના પરમ આસ્થાના પ્રતિક સમાન તરભ વાળીનાથ ધામને પોતાની માલિકીની આશરે સાત કરોડ રૂપિયાની બજાર કિંમત ધરાવતી પચીસ વીઘા વિશાળ જમીન દાનમાં આપવામાં આવી છે.
વર્તમાન સમયમાં જમીનના બજાર ભાવ આસમાને પહોંચેલા છે અને મિલકત પ્રત્યેનો મોહ સ્વાભાવિક રીતે માનવીમાં વધુ જોવા મળતો હોય છે, પરંતુ આ દાતા પરિવાર દ્વારા ભૌતિક સુખ અને ધન-દોલત કરતા ગૌસેવાને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. મસમોટી કિંમતની મૂલ્યવાન જમીન દાનમાં આપવાના આ ઉમદા નિર્ણયથી સમગ્ર પાટણ પંથક સહિત સમગ્ર ગુજરાતમાં દાતા પરિવારની ઉદારતા અને ખુમારીની ચર્ચા થઈ રહી છે. દાનમાં મળેલી આ વિશાળ જમીનનો સદુપયોગ કરીને ત્યાં એક ભવ્ય ગૌશાળાનું નિર્માણ કરવાનો નિર્ણય તરભ વાળીનાથ ધામ દ્વારા લેવામાં આવ્યો છે, જેથી અબોલ જીવોની સેવા યોગ્ય રીતે થઈ શકે.
આ પવિત્ર કાર્યના શ્રીગણેશ કરવા માટે તાજેતરમાં ચડાસણા ગામે એક ભવ્ય સન્માન સમારોહ અને ભૂમિપૂજન વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. તરભ વાળીનાથ ધામના પરમ પૂજ્ય મહંત જયરામગીરી બાપુના પવિત્ર હસ્તે વૈદિક મત્રોચ્ચાર સાથે ગૌશાળા માટે ભૂમિપૂજન સંપન્ન થયું હતું. આ ધાર્મિક અને સેવાકીય પ્રસંગે મોટી સંખ્યામાં આસપાસના ગામોના લોકો, અગ્રણીઓ તેમજ સાધુ-સંતો અને મહંતો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામ મહાનુભાવોએ દાતા પરિવારના આ અદ્ભુત દાનને બિરદાવ્યું હતું. પોતાના પતિનું સ્વપ્ન અને અંતિમ ઈચ્છા પોતાની નજર સમક્ષ સાકાર થતી જોઈને ગંગાબેન દેસાઈએ ભારે હર્ષ અને આંતરિક સંતોષની લાગણી અનુભવી હતી.
