નવસારી શહેરમાં આયોજિત પ્રસિદ્ધ રાસ લોક ગરબા મહોત્સવમાં એક વિધર્મી યુવક દ્વારા ગરબા મંડપમાં પ્રવેશ મેળવવાની ઘટના સામે આવ્યા બાદ ભારે વિવાદ સર્જાયો છે. આ ગરબા મહોત્સવમાં મોહસીન ભટ્ટ નામનો યુવક ગરબા રમતો પકડાયા બાદ ગ્રાઉન્ડ પર તંગદિલીભર્યું વાતાવરણ ઊભું થયું હતું. આ યુવકે ગરબા મહોત્સવની પવિત્રતા અને સુરક્ષા વ્યવસ્થાને નેવે મૂકીને ગ્રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો એટલું જ નહીં, પરંતુ સોશિયલ મીડિયા પર આ બાબતે ભ્રામક અને ખોટી વાતો પણ ફેલાવી હતી, જેને લઈને સ્થાનિક લોકો અને હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ સમગ્ર વિવાદ ત્યારે વધુ ઘેરો બન્યો જ્યારે મોહસીન ભટ્ટની સોશિયલ મીડિયા પોસ્ટ સામે આવી હતી. તેણે પોતાની પ્રોફાઇલ પર એવી તસવીરો અને લખાણ શેર કર્યું હતું કે ભારતમાં મુસ્લિમોને ગરબામાં પ્રવેશ મળતો નથી પરંતુ તે વિદેશના દુબઈ શહેરમાં ગરબા રમી રહ્યો છે. હકીકતમાં તેનું લોકેશન અને ફોટા નવસારીના જ રાસ લોક ગરબા મહોત્સવના હતા. સોશિયલ મીડિયા પર આ પ્રકારે ખોટી માહિતી ફેલાવીને હિન્દુઓની આસ્થા અને પરંપરા સાથે ચેડાં કરવાનો પ્રયાસ કરનાર આ યુવકની કરતૂત સામે આવતા જ સ્થાનિક યુવકોએ તાત્કાલિક પોલીસનો સંપર્ક સાધીને કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ મળતાની સાથે જ સ્થાનિક પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને ત્વરિત કાર્યવાહી કરીને ગરબા ગ્રાઉન્ડમાંથી મોહસીન ભટ્ટ સામે કાયદેસરનો ગુનો દાખલ કર્યો છે. આ ઘટનાની જાણ થતાં જ બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદ સહિતના અગ્રણી હિન્દુ સંગઠનોના કાર્યકરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે આ યુવકને ઝડપીને પોલીસના હવાલે કર્યો હતો અને આ મામલે કડકમાં કડક કાર્યવાહીની માંગણી દોહરાવી હતી. સંગઠનોના આગેવાનોએ આયોજકોની સુરક્ષા વ્યવસ્થા અને પ્રવેશ દ્વાર પરની લાપરવાહી સામે પણ ગંભીર સવાલો ઉભા કર્યા છે.
અગાઉથી જ હિન્દુ સંગઠનો દ્વારા ગરબા મહોત્સવોમાં સુરક્ષાના કડક નિયમો પાળવા અને વિધર્મીઓના પ્રવેશ પર પ્રતિબંધ રાખવા માટે સ્પષ્ટ ચેતવણીઓ આપવામાં આવી હતી. છતાં પણ આવા બનાવો બનતા આયોજકોની બેદરકારી સ્પષ્ટપણે દેખાઈ રહી છે. આ ઘટનાએ નવસારી જિલ્લામાં ગરબા આયોજનોની સુરક્ષા અને ખેલૈયાઓની ઓળખ ચકાસવા માટેના નિયમો અંગે ફરી એકવાર ગંભીર ચર્ચા છેડી દીધી છે. હાલમાં પોલીસે ગુનો નોંધીને યુવકની પૂછપરછ શરૂ કરી છે અને આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે જેથી ભવિષ્યમાં આવા બનાવો ન બને.
